ક્રિકેટ અને આઈપીએલ જગતમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ક્રિકેટ ટીમ અને જાણીતી આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ ના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા અને દુર્વ્યવહાર કરવા જેવા ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરાયેલા આ યુવા ક્રિકેટરને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ચિનસુરા કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પીડિત યુવતી અને ક્રિકેટર 3 વર્ષથી કોન્ટેક્ટમાં હતા
આ સમગ્ર પ્રકરણની શરૂઆત ગત 23 જૂનના રોજ થઈ હતી, જ્યારે કર્નાટક રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલી એક યુવતીએ મોગરા પોલીસ સ્ટેશન માં અભિષેક પોરેલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત યુવતી અને ક્રિકેટર અભિષેક પોરેલ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગાઢ સંબંધોમાં હતા અને બંને ભવિષ્યમાં લગ્ન કરવાના પણ સપના જોઈ રહ્યા હતા. એટલું જ નહીં, આ સંબંધો દરમિયાન બંનેએ વિદેશ પ્રવાસપણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જો કે, સમય જતાં બંને વચ્ચે મતભેદો ઊભા થયા હતા અને લગભગ અઢાર મહિના પહેલા પણ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ તે સમયે કોઈ ઔપચારિક એફઆઈઆર નોંધાઈ નહોતી.
અભિષેક પોરેલની ધરપકડ કરવાના સખત આદેશો
સમય વીતતા મામલો વધુ વણસ્યો હતો અને પોલીસ દ્વારા ચંદનનગર સ્થિત ક્રિકેટરના નિવાસસ્થાને દરોડા પાડવા છતાં તે પોલીસના હાથ લાગ્યો નહોતો. પરિણામે, કંટાળીને પીડિત યુવતીએ કલકત્તા હાઈકોર્ટ (Calcutta High Court) ના દરવાજા ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માગોરા પોલીસને ત્વરિત કાર્યવાહી કરી અભિષેક પોરેલની ધરપકડ કરવાના સખત આદેશો આપ્યા હતા. હાઈકોર્ટના આદેશનું પાલન કરીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તેને કોલકાતા (Kolkata) ખાતેથી દબોચી લીધો હતો અને કલમો હેઠળ ગુનો નોંધી અદાલતમાં રજૂ કર્યો હતો.
ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ
અગાઉ 11 ઓગસ્ટના રોજ તેને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ (Police Remand) મંજૂર થઈ હતી. રિમાન્ડની મુદત પૂરી થતાં સોમવારે તેને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં બચાવ પક્ષની દલીલો ફગાવી દેવાઈ હતી. 23 વર્ષીય અભિષેક પોરેલ જેવો ઉભરતો ખેલાડી આ પ્રકારના વિવાદો અને કાનૂની શિંદાકંજામાં ફસાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મેદાન પર પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી પ્રભાવિત કરનાર આ ક્રિકેટરનું ભવિષ્ય હવે કાનૂની કાર્યવાહી અને આગામી અદાલતી સુનાવણી પર નિર્ભર બન્યું છે.
આ પણ વાંચો - LIVE મેચમાં મિચેલ સ્ટાર્કનો પારો આસમાને! બાંગ્લાદેશના ખેલાડી સાથે થઈ ઉગ્ર બોલાચાલી