ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રાહુલ દ્રવિડના 17 વર્ષના પુત્ર અન્વય દ્રવિડે પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટકની અંડર-19 ટીમનું નેતૃત્વ કરી રહેલા અન્વયે ગુજરાત સામે માત્ર 100 બોલમાં 151 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની આ કેપ્ટનશિપ ઇનિંગ્સની મદદથી કર્ણાટકે 358 રનનો લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો અને ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. અન્વયે પોતાની બેટિંગથી સાબિત કર્યું કે તેઓ માત્ર વિકેટકીપર જ નહીં, પરંતુ મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવતા બેટ્સમેન પણ છે.
અન્વય દ્રવિડે 100 બોલમાં ફટકાર્યા 151 રન
ગુજરાત અને કર્ણાટક વચ્ચે રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 357 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કર્ણાટકની ટીમને અન્વય દ્રવિડે શાનદાર શરૂઆત અને મજબૂત ભાગીદારીના આધારે જીત અપાવી હતી.અન્વયે પોતાની 151 રનની ઇનિંગ્સ દરમિયાન 20 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે મેદાનની ચારે દિશામાં શોટ્સ રમીને ગુજરાતના બોલરો પર દબાણ બનાવ્યું હતું.અન્વયની સાથે ધ્રુવ કૃષ્ણને પણ આક્રમક બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે માત્ર 26 ઓવરમાં 203 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીએ મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું અને કર્ણાટકની જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો.
ધ્રુવ કૃષ્ણને પણ ફટકારી સદી
અન્વય દ્રવિડની સાથે ધ્રુવ કૃષ્ણને પણ શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 100 બોલમાં 131 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સે કર્ણાટકના રનચેઝને વધુ મજબૂત બનાવ્યો હતો.તેમની 203 રનની ભાગીદારીને કારણે 358 રનનો લક્ષ્યાંક પણ સરળ બન્યો હતો.બીજી તરફ ગુજરાત તરફથી સમીર ભંડારી અને યશ પંજવાનીએ સદી ફટકારી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે માત્ર 19 ઓવરમાં અણનમ 217 રનની ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર 357 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે, અન્વય અને ધ્રુવની શાનદાર બેટિંગ સામે ગુજરાતનો આ વિશાળ સ્કોર પણ ઓછો સાબિત થયો હતો.
વિનુ માંકડ ટ્રોફીમાં અન્વયની બીજી સદી
અન્વય દ્રવિડ માટે આ સિઝન અત્યાર સુધી શાનદાર રહી છે. વિનુ માંકડ ટ્રોફીમાં આ તેમની બીજી સદી છે. આ પહેલાં તેમણે ચંડીગઢ સામેની મેચમાં માત્ર 62 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગ્સની મદદથી કર્ણાટકે 100 રનથી જીત મેળવી હતી.આ ઉપરાંત,આ જ સપ્તાહમાં દિલ્હી સામે રમાયેલી મેચમાં અન્વયે માત્ર 41 બોલમાં 85 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેમની બેટિંગના આધારે કર્ણાટકે 418 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.સતત મોટી ઇનિંગ્સ રમીને અન્વયે પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો છે
રાહુલ દ્રવિડના પુત્ર પર ક્રિકેટ ચાહકોની નજર
રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના સૌથી અનુભવી અને વિશ્વસનીય બેટ્સમેનોમાંના એક રહ્યા છે. હવે તેમના પુત્ર અન્વયે અંડર-19 ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે.જોકે, અન્વયની કારકિર્દીની શરૂઆત છે અને તેમની આગળ લાંબી સફર બાકી છે. સતત સારા પ્રદર્શન સાથે તેઓ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરના ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.હાલમાં વિનુ માંકડ ટ્રોફીમાં તેમની બેટિંગ, કેપ્ટનશિપ અને વિકેટકીપિંગ પર ચાહકોની નજર છે. ગુજરાત સામેની 151 રનની ઇનિંગ્સ તેમની કારકિર્દીની યાદગાર ઇનિંગ્સમાંની એક બની શકે છે.
આ પણ વાંચો- Hong Kong Sixes 2026 પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ધડાકો! ભુવનેશ્વર આઉટ, કૃણાલ પંડ્યા બન્યો કેપ્ટન!