ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઝડપી બોલર આકિબ નબી હાલમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પોતાની તૈયારી મજબૂત કરવા માટે તેમને કાઉન્ટી ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે. સરી તરફથી રમતા આકિબ નબીએ ગ્લેમોર્ગન સામેની મેચમાં બોલિંગથી શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.આકિબ નબી માટે કાઉન્ટી ક્રિકેટની શરૂઆત ખાસ રહી નહોતી. પોતાની પ્રથમ મેચમાં તેઓ માત્ર 2 વિકેટ મેળવી શક્યા હતા. જોકે, ગ્લેમોર્ગન સામેની મેચમાં તેમણે જોરદાર વાપસી કરી છે. નબીએ ગ્લેમોર્ગનની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી ટીમને માત્ર 132 રનમાં સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

10 ઓવરમાં 4 વિકેટ ઝડપી

સરી અને ગ્લેમોર્ગન વચ્ચે કાઉન્ટી ડિવિઝન 1ની મેચ 15 સપ્ટેમ્બરે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે શરૂ થઈ હતી. મેચના પ્રથમ દિવસે કુલ 20 વિકેટ પડી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગ્લેમોર્ગનની ટીમ માત્ર 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ગ્લેમોર્ગનની ઇનિંગ દરમિયાન આકિબ નબીએ કુલ 10 ઓવર બોલિંગ કરી હતી. તેમાં તેમણે 2 મેડન ઓવર નાખ્યા અને માત્ર 36 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી.નબીએ ગ્લેમોર્ગનના જેક હોપ બેલ,આસા ટ્રાઇબ,કિરન કાર્લસન અને બિલી રૂટને પેવેલિયન મોકલ્યા હતા.ખાસ કરીને ગ્લેમોર્ગનના મિડલ ઓર્ડરને તોડવામાં તેમની બોલિંગની મહત્વની ભૂમિકા રહી હતી.

https://x.com/surreycricket/status/2099819305995047205?s=20

આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની રાહ

આકિબ નબી હજુ સુધી ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યા નથી. જોકે, તેમની પ્રતિભાને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ તેમને ભવિષ્યના મહત્વના ઝડપી બોલર તરીકે તૈયાર કરી રહ્યું છે.નબીને શ્રીલંકા પ્રવાસ દરમિયાન 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન મળ્યું નહોતું. હવે કાઉન્ટી ક્રિકેટમાં મળેલી તકનો તેઓ પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડિઝ સામે મળી શકે તક

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે અને T20I સિરીઝ રમવાની છે. આ દરમિયાન કેટલાક મહત્વના ઝડપી બોલરો એશિયન ગેમ્સ 2026માં વ્યસ્ત રહેવાના હોવાથી ભારતીય ટીમના બોલિંગ વિભાગમાં ફેરફાર જોવા મળી શકે છે.આ સ્થિતિમાં આકિબ નબીને વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જો તેમને વનડે ટીમમાં સ્થાન મળે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવાની દિશામાં આકિબ માટે મહત્વપૂર્ણ તક બની શકે છે.કાઉન્ટી ક્રિકેટમાં ગ્લેમોર્ગન સામે 4 વિકેટનું પ્રદર્શન નબી માટે આત્મવિશ્વાસ વધારનારું છે. હવે તેઓ આગામી મેચોમાં પણ સારા પ્રદર્શન સાથે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પોતાનો દાવો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - T20Iમાં 2026ના સિક્સર કિંગ કોણ? ઈશાન કિશન નંબર-2, અભિષેક અને સંજુ પણ ટોપ-10માં