ભારતીય ક્રિકેટ ચાહકો માટે એશિયા કપની ટ્રોફીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ અને મહિલા ટીમે જીતેલી એશિયા કપની ટ્રોફી ટૂંક સમયમાં ભારત પરત આવે તેવી આશા છે.BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે બંને ટ્રોફી એક દિવસ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCIના મુખ્યાલયમાં ચોક્કસ પહોંચશે. જોકે, તેમણે ટ્રોફી ક્યારે ભારત આવશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી નથી.
બંને ટ્રોફી ભારત આવશે
BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા બાદ મીડિયા સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે એશિયા કપની બંને ટ્રોફી એક દિવસ BCCIની ઓફિસમાં પહોંચશે.તેમણે સમયમર્યાદા અંગે કંઈ કહેવાનો ઇનકાર કર્યો,પરંતુ ટ્રોફી ભારત આવશે તે અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.આ બંને ટ્રોફી હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACC પાસે છે. તેનું કારણ એ છે કે ભારતની પુરુષ અને મહિલા ટીમે એશિયા કપ જીત્યા બાદ ACCના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.
મહિલા ટીમે 8મી વખત એશિયા કપ જીત્યો
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.આ સાથે ભારતે રેકોર્ડ 8મી વખત મહિલા એશિયા કપ પોતાના નામે કર્યો હતો.ફાઇનલ બાદ ટ્રોફી વિતરણ સમયે મોહસિન નકવી હાજર હતા. જોકે ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. ત્યારબાદ ટ્રોફી ACC પાસે જ રહી ગઈ હતી.
https://x.com/ImTanujSingh/status/2100996093492560139?s=20
પુરુષ ટીમની ટ્રોફી પણ ACC પાસે
2025માં ભારતીય પુરુષ ટીમે પણ એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.પરંતુ ટ્રોફી સમારોહ દરમિયાન ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.આ બંને ઘટનાઓ બાદ એશિયા કપની ટ્રોફી ક્યાં છે અને તે ભારત ક્યારે આવશે તે અંગે ભારતીય ક્રિકેટ ચાહકોમાં સતત ચર્ચા ચાલી રહી હતી. હવે BCCI સચિવના નિવેદન બાદ ટ્રોફી ભારત પરત આવવાની આશા વધી છે.
સૈકિયાને મહિલા ટીમ પાસેથી ગોલ્ડની પણ આશા
દેવજીત સૈકિયાએ એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શન અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને હરાવીને આગળનો રસ્તો સાફ કર્યો છે.સૈકિયાએ કહ્યું કે BCCIને આશા છે કે ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતશે. ભારતની ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે એશિયન ગેમ્સમાં પણ દેશ માટે ગોલ્ડ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.આમ,એક તરફ એશિયા કપની બંને ટ્રોફી ભારત પરત આવવાની રાહ જોવાઈ રહી છે.તો બીજી તરફ ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરી છે.
આ પણ વાંચો - Asian Games 2026: મોહસિન નકવી Vs ભારત? મેડલ સેરેમનીને લઈને ભારે ચર્ચા