એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટમાં શુક્રવારે મોટો ઉલટફેર જોવા મળ્યો.મહત્વની મેચમાં નેપાળે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવીને પોતાની ક્વાર્ટર ફાઇનલની દાવેદારી મજબૂત કરી છે. આ પરિણામ બાદ ગ્રુપમાંથી કઈ બે ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે તેનું ગણિત વધુ રસપ્રદ બની ગયું છે.અફઘાનિસ્તાન પાસે આ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની તક હતી. જોકે નેપાળની શાનદાર બોલિંગ સામે અફઘાનિસ્તાનના બેટરો મોટો સ્કોર બનાવી શક્યા નહીં. નેપાળે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી અને અંતે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું.
અફઘાનિસ્તાનની બેટિંગ નિષ્ફળ રહી
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ નેપાળના બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી. અફઘાનિસ્તાનના કોઈપણ બેટર લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહીં. ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 102 રન બનાવ્યા.ફૈસલ શિનોઝાદા અને નજીબુલ્લાહ જાદરાને 30-30 રનની ઇનિંગ્સ રમી, પરંતુ ટીમને મોટો સ્કોર અપાવવામાં તેઓ સફળ રહ્યા નહીં.નેપાળ તરફથી કુશલ ભુર્તેલે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ ઝડપી. લલિત રાજવંશીએ પણ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી. આ બંને બોલરોના પ્રદર્શનને કારણે અફઘાનિસ્તાનની ટીમ 102 રન સુધી જ સીમિત રહી.નેપાળને મેચ જીતવા માટે માત્ર 103 રનનું લક્ષ્ય મળ્યું હતું.
https://x.com/ICC/status/2103395407346954707?s=20
નેપાળે 17.2 ઓવરમાં મેચ જીતી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની શરૂઆત પણ સારી રહી નહોતી. પ્રથમ જ ઓવરમાં કુશલ ભુર્તેલ 2 બોલમાં ખાતું ખોલ્યા વગર આઉટ થયો. ત્યારબાદ આસિફ શેખ પણ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.પરંતુ આ પછી નેપાળના બેટરોએ ઇનિંગ્સ સંભાળી લીધી. સંદીપ ઝોરાએ 34 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી. રોહિત પૌડેલે 32 બોલમાં 33 રન બનાવ્યા.આખરે કેપ્ટન દીપેન્દ્ર સિંહ ઐરીએ 18 બોલમાં 15 રન બનાવી ટીમને જીત સુધી પહોંચાડી. નેપાળે 17.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 103 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું અને અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું.
હવે ક્વાર્ટર ફાઇનલનું ગણિત રસપ્રદ બન્યું
આ જીત સાથે નેપાળના પણ 2 પોઈન્ટ થઈ ગયા છે.અફઘાનિસ્તાન પહેલેથી જ એક મેચ જીતીને 2 પોઈન્ટ મેળવી ચૂક્યું છે. હાલમાં વધુ સારા રન રેટના કારણે અફઘાનિસ્તાન આગળ છે.હવે ગ્રુપની સ્થિતિનો નિર્ણય નેપાળ અને જાપાન વચ્ચેની આગામી મેચ બાદ થશે. જાપાનના ખાતામાં હાલમાં 0 પોઈન્ટ છે. આ ગ્રુપમાંથી 3માંથી 2 ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.ખાસ વાત એ છે કે ગ્રુપમાં બીજા સ્થાને રહેનારી ટીમનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે થશે. તેથી નેપાળ અને જાપાન વચ્ચેની મેચ માત્ર ઔપચારિક નહીં રહે અને તેના પરિણામની સીધી અસર ક્વાર્ટર ફાઇનલના સમીકરણ પર પડશે.
આ પણ વાંચો - TEAM INDIA: એક તરફ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, બીજી તરફ આકાશ ચોપડાએ ઔકિબ નબી પર ઉઠાવ્યા સવાલ