જાપાનના આઈચી-નાગોયા (Aichi-Nagoya) ખાતે રમાનારા 2026ના એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ ટૂર્નામેન્ટના શિડ્યુલમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ટૂર્નામેન્ટની કેટલીક નૉકઆઉટ મેચો પોતાના નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ વહેલી શરૂ થશે. નવા ટાઈમિંગ મુજબ, બપોરે રમાનારી મેચો હવે 2 વાગ્યાના બદલે જપાનના સ્થાનિક સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. જોકે, મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ સ્પર્ધા 19સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાશે.

ટીમ ઈન્ડિયાની મેચ ક્યારે જોઈ શકાશે 

રેન્કિંગના આધારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને સીધું ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળી ગયું છે. ટીમની પ્રથમ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. જાપાનનો સમય ભારત કરતાં 3 કલાક અને 30 મિનિટ આગળ છે, તેથી, ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:00 વાગ્યે શરૂ થશે. એશિયન ગેમ્સની અધિકૃત વેબસાઇટ પર પણ મેચ શરૂ થવાનો સ્થાનિક સમય બપોરે 1:30 દર્શાવવામાં આવ્યો છે. ભારતીય પુરુષ ટીમ તેની મેચ 28 સપ્ટેમ્બરે રમશે. બીજી સેમી-ફાઈનલ અને ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પણ સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. એક અહેવાલ મુજબ, ટીમોને સમયમાં થયેલા ફેરફાર અંગે હજુ સુધી જાણ કરવામાં આવી નથી. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના અધિકારીઓ પણ આ ફેરફારથી અજાણ છે.

સવારના શિડ્યુલમાં કોઈ બદલાવ નહીં

બપોરની મેચોના સમય વહેલા કરાયા છે પરંતુ સવારના સમયપત્રકમાં કોઈ ફેરફાર થયો નથી. સ્થાનિક સમય મુજબ સવારે 9:00 વાગ્યે રમાનારી સવારની મેચો ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે શરૂ થશે.

વહેલું અંધારું થવાના કારણે લેવાયો નિર્ણય

સમયપત્રકમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ જપાનમાં સાંજના સમયે ઝડપથી થતું અંધારું છે. આ મુકાબલા કોરોગી એથલેટિક પાર્કમાં રમાવાના છે, પણ આ મેદાન પર ફ્લડ લાઈટ્સની સગવડ ઉપલબ્ધ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા હોવા છતાં લાઈટિંગ સિસ્ટમ ન હોવા અંગે રમત જગતમાં આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.