એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટની શરૂઆત જાપાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી થઈ હતી. કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી ગ્રુપ-Aની આ મેચમાં અફઘાનિસ્તાને જાપાનને 48 રનથી હરાવ્યું હતું. જાપાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના બોલરોએ અફઘાનિસ્તાનને 20 ઓવરમાં 6 વિકેટે 129 રન સુધી જ રોકી રાખ્યું હતું. જોકે 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા જાપાનની ટીમ 19.3 ઓવરમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

જાપાનના બોલરોમાં તાકાહાશીની શાનદાર બોલિંગ

જાપાન તરફથી ઈબ્રાહિમ તાકાહાશી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે કરીમ જનાત અને નજીબુલ્લાહ ઝદરાનને આઉટ કર્યા હતા. શોમા સુગાયા-સ્લેટરે પણ 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેઓ સકુરાનો-થોમસ અને બેન્જામિન ઈટો-ડેવિસને 1-1 વિકેટ મળી હતી. અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. હસન ઈસાખેલ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ અકરમે 29 બોલમાં 34 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા હતા. કરીમ જનાટે 23 બોલમાં 21 રન બનાવ્યા. બંને વચ્ચેની ભાગીદારીએ અફઘાનિસ્તાનને શરૂઆતમાં સંભાળ્યું હતું.

રાસૂલી અને ઈશાકે સ્કોરને 129 સુધી પહોંચાડ્યો

મોહમ્મદ અકરમ 68ના સ્કોર પર આઉટ થયા બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન દરવિશ રાસૂલીએ 27 બોલમાં 29 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વિકેટકીપર મોહમ્મદ ઈશાકે અંતમાં ઝડપી બેટિંગ કરી અને માત્ર 17 બોલમાં અણનમ 25 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રાસૂલી અને ઈશાક વચ્ચે પાંચમી વિકેટ માટે 44 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. તેના કારણે અફઘાનિસ્તાન 20 ઓવરમાં 129/6 સુધી પહોંચી શક્યું અને જાપાન સામે 130 રનનો ટાર્ગેટ મૂક્યો.

જાપાનનો ધબડકો

130 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર લેચલાન યામામોટો-લેક માત્ર 3 બોલમાં ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. જોકે રેઓ સકુરાનો-થોમસે 24 બોલમાં 23 રન બનાવીને ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાપાન એક સમયે 59/3 સુધી પહોંચી ગયું હતું અને મેચમાં ટકી રહ્યું હતું. કેપ્ટન કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગે 17 બોલમાં 14 રન બનાવ્યા, જ્યારે બેન્જામિન ઈટો-ડેવિસે માત્ર 8 બોલમાં 17 રન ફટકારીને ઝડપી રન બનાવ્યા. જોકે ત્યારબાદ અફઘાનિસ્તાનના સ્પિનરોએ મેચનો સંપૂર્ણ કબજો લઈ લીધો.

અફઘાનિસ્તાનના સ્પિનરોએ આખી મેચ પલટી

જાપાનનો સ્કોર 60/3 હતો ત્યારે ટીમ સારી સ્થિતિમાં દેખાતી હતી, પરંતુ ત્યારબાદ માત્ર 22 રનમાં જ તેની છેલ્લી 7 વિકેટ પડી ગઈ. અફઘાનિસ્તાનના અરબ ગુલ મોમંદે 4/8ની શાનદાર બોલિંગ કરી. નાંગેયાલિયા ખરોતીએ 3/19 અને અબ્દુલ્લાહ અહમદઝાઈએ 2/13ની બોલિંગ કરી. આ રીતે જાપાનની ટીમ 19.3 ઓવરમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને અફઘાનિસ્તાને 48 રનથી મેચ જીતી લીધી.આ જીત સાથે અફઘાનિસ્તાને એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ સ્પર્ધામાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. જાપાનને હવે ગ્રુપ-Aમાં આગળની મેચોમાં વાપસી કરવી પડશે.
આ પણ વાંચો: Chess Olympiad: ઉઝબેકિસ્તાન સામેની હાર બાદ ભારતનો પલટવાર, ગુકેશ-પ્રજ્ઞાનાનંદાએ અપાવી મોટી જીત