ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અનુભવી ઓફ સ્પિનર નાથન લાયનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 13 વર્ષમાં પહેલીવાર લાયનને કોઈ ડે-ટેસ્ટમાં ફિટ હોવા છતાં ટીમની બહાર રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડને સામેલ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ 4 ફાસ્ટ બોલરો પર લગાવ્યો દાવ

દક્ષિણ આફ્રિકાના ગકેબેરામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. આ વખતે ટીમે એક પણ સ્પેશિયાલિસ્ટ સ્પિનર વગર રમવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડ એમ 4 ફાસ્ટ બોલરો છે. પીચ પર ઘાસ અને સવારના ભેજને કારણે ઝડપી બોલરોને મદદ મળવાની આશા હતી. આ જ કારણથી ઓસ્ટ્રેલિયાએ સ્પિનર કરતાં વધારાના ફાસ્ટ બોલરને પસંદ કર્યો.

2013 પછી પહેલીવાર ડે-ટેસ્ટમાં બહાર

નાથન લાયન ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી ટેસ્ટ સ્પિનરોમાંથી એક છે. તેઓ લાંબા સમયથી ટીમના બોલિંગ આક્રમણનો મહત્ત્વનો ભાગ રહ્યા છે. 2013ની એશિઝ શ્રેણી પછી પહેલીવાર તેમને ફિટ હોવા છતાં ડે-ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જોકે, તાજેતરના સમયમાં તેમને પિંક-બોલ ટેસ્ટમાં પણ બહાર બેસવું પડ્યું હતું. પરંતુ સામાન્ય ડે-ટેસ્ટમાં આ પ્રકારનો નિર્ણય 13 વર્ષ પછી લેવામાં આવ્યો છે. સ્કોટ બોલેન્ડને તક મળતાં ઓસ્ટ્રેલિયાએ આ મેચ માટે પોતાની બોલિંગ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે.

પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મેળવી હતી મોટી જીત

ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. હવે બીજી ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરવાનો ટીમ પાસે મોકો છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઓસ્ટ્રેલિયા માટે આ મેચ મહત્ત્વની છે. બીજી તરફ, યજમાન ટીમ શ્રેણી બરાબર કરવા માટે મેદાનમાં ઉતરી છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, નિક મેડિન્સન, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેટ રેનશો, એલેક્સ કેરી, બ્યુ વેબસ્ટર, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને જોશ હેઝલવુડ.

આ પણ વાંચો: Ranji Trophy: રિંકુ સિંહે એકલા હાથે બચાવી UPની લાજ, રણજીમાં ઠોકી સતત બીજી સદી