ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. ઈજાના કારણે બુમરાહ 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ ભારતીય ટીમ શ્રીલંકા રવાના થાય તે પહેલાં ટીમમાં એક નવા ખેલાડીનો સમાવેશ કર્યો છે. ગત રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને બુમરાહના સ્થાને ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બોલર બીજું કોઈ નહીં પણ આકિબ નબી ડાર છે, જે રેડ-બોલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો હતો.

બીસીસીઆઈએ શું કહ્યું

બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે કારણ કે તે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન ડાબા ઘૂંટણમાં થયેલી ઈજામાંથી હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. પુરુષ પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને આકિબ નબીને ટીમમાં સ્થાન આપ્યું છે. જમ્મુ અને કાશ્મીરના આ ફાસ્ટ બોલરનો સિનિયર રાષ્ટ્રીય ટીમમાં આ પહેલો કોલ છે. નબીએ છેલ્લા બે રણજી ટ્રોફી સીઝનમાં કુલ 104 વિકેટ લીધી હતી, જેમાં 2025-26 સીઝનમાં 60 વિકેટનો સમાવેશ થાય છે. તેણે જમ્મુ અને કાશ્મીરની પ્રથમ રણજી ટ્રોફી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈન્ડિયા એ ટીમનો પણ ભાગ હતો, જ્યાં તેણે બે ફર્સ્ટ-ક્લાસ મેચમાં 6 વિકેટ લીધી હતી.

https://x.com/BCCI/status/2084129265529114646?s=20

આકિબ નબી ઘરેલુ ક્રિકેટ શાનદાર પ્રદર્શન 

આકિબ નબી ઘરેલુ ક્રિકેટમાં એક જાણીતું નામ છે. 29 વર્ષીય આ ખેલાડીએ 43 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં 71 ઇનિંગ્સમાં 18.63 ની પ્રભાવશાળી સરેરાશથી 162 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ ઇનિંગ્સ પ્રદર્શન 24 રનમાં 7 વિકેટ છે. આકિબ બેટ અને બોલ બંનેથી યોગદાન આપવા સક્ષમ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેના 999 રન છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - The Hundred : રાશિદ ખાનની સ્પીન આગળ બેટર્સની શરણાગતિ, કેપ્ટન પણ જોતા રહી ગયા!