ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ જુનિયર પસંદગી સમિતિને લઈને મોટી જાહેરાત કરી છે. ભારતના પૂર્વ ઝડપી બોલર પરવિન્દર અવાણાને જુનિયર પસંદગી સમિતિના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. BCCIએ શુક્રવાર, 23 ઓક્ટોબરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ક્રિકેટ સલાહકાર સમિતિએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અવાણાના નામની ભલામણ કરી હતી.તેમની સાથે કૃષ્ણા દાસ, રાકેશ પટેલ અને એન. અર્જુન યાદવને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમિતિના પાંચમા સભ્યની નિમણૂક હજુ બાકી છે.
પરવિન્દર અવાણાને મળી મોટી જવાબદારી
40 વર્ષીય પરવિન્દર અવાણા ભારતીય ક્રિકેટમાં ઝડપી બોલર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે.તેમણે ભારત તરફથી 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 62 મેચમાં કુલ 191 વિકેટ ઝડપી હતી.અવાણાએ દિલ્હી, ઇન્ડિયા A અને રેસ્ટ ઑફ ઇન્ડિયા જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ઉપરાંત તેઓ IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ, જે હવે પંજાબ કિંગ્સ તરીકે ઓળખાય છે,તેની તરફથી પણ રમી ચૂક્યા છે.ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અવાણાએ કોચિંગ ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. તેમણે દિલ્હીની અંડર-16, અંડર-19 અને અંડર-23 ટીમો સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ ભારતની અંડર-19 ટીમ અને BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સના વિવિધ હાઇ-પરફોર્મન્સ કાર્યક્રમો સાથે પણ જોડાયેલા રહ્યા છે.હવે જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે તેમની મુખ્ય જવાબદારી યુવા ખેલાડીઓની પ્રતિભા ઓળખવાની, યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવાની અને ભારતીય ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવાની રહેશે.
