ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ભારતને સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવી શકે છે. BCCIના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને ભારતની સિનિયર પુરુષ T20 ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને ટીમના નવા ઉપ-કેપ્ટન તરીકે મોટી જવાબદારી સોંપાઈ શકે છે.
ટી20ના કેપ્ટન શ્રેયસ ઐયર પર લાગી શકે મહોર
મીડિયા અહેવાલ મુજબ BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતની પસંદગી સમિતિ શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવા માટે સહમત થઈ ગઈ છે. જોકે, ગુરુવારે મળેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ ન હતી, પરંતુ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ આંતરિક રીતે ઐયરને કેપ્ટન અને તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે.
કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું પત્તું કપાશે
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ સંપન્ન થયેલા ICC T20 વર્લ્ડ કપ 2026માં ઇતિહાસ રચીને સતત બીજી વખત ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક સફળતા છતાં, સૂર્યાના વ્યક્તિગત ફોર્મે પસંદગીકારોને ચિંતામાં મૂકી દીધા છે. ટી20 વર્લ્ડ કપ 2026ની 6 મેચમાં તે માત્ર 242 રન બનાવી શક્યો હતો અને આઈપીએલમાં પણ નબળું પ્રદર્શન રહ્યું.પસંદગી સમિતિનું માનવું છે કે કેપ્ટનશીપના દબાણને લીધે સૂર્યાની નેચરલ ગેમ પ્રભાવિત થઈ રહી છે, તેથી તેને આ જવાબદારીમાંથી મુક્ત કરીને ફરી પોતાની આક્રમક શૈલી મેળવવાની તક આપવી જોઈએ.
ટી20ના કેપ્ટન તરીકે શ્રેયસ પ્રથમ દાવેદા
બીજી તરફ શ્રેયસ ઐયર માટે આ નિર્ણય કોઈ મોટી લોટરીથી કમ નથી. ઐયરે ભારત માટે છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને ત્યારબાદ તે ટીમની બહાર રહ્યો હતો. જોકે, IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને 498 રન ફટકાર્યા હતા. તેના શાનદાર ફોર્મ અને કેપ્ટનશીપના અનુભવને ધ્યાનમાં રાખીને ગૌતમ ગંભીર અને અજિત અગરકરે તેને ટીમની કમાન સોંપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કોચ ગંભીર સાથેના સારા સંબંધો પણ ઐયર માટે પ્લસ પોઈન્ટ સાબિત થયા છે.
તિલક વર્માને મળી મોટી જવાબદારી
ભવિષ્યની મજબૂત ટીમ તૈયાર કરવાના આશયથી પસંદગીકારોએ યુવા સેન્સેશન તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તિલક વર્માને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે, અને ઐયર સાથે તેની જુગલબંધી ટીમ ઇન્ડિયાને એક નવો દ્રષ્ટિકોણ આપશે.
આ પણ વાંચો :
6 જૂનની બેઠકમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત
સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જૂને યોજાનારી પસંદગી સમિતિની બેઠકમાં શ્રેયસ ઐયર પોતે હાજર રહી શકે છે. આ બેઠકમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે, જેમાં શ્રેયસ ઐયરના નામ પર સત્તાવાર મહોર વાગી શકે છે.