દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે મહિલા T20 એશિયા કપ 2026ની સૌથી મોટી મેચ આજે રમાશે.બંને ટીમો માટે આ મુકાબલો મહત્વનો છે,પરંતુ ભારતે શરૂઆતની બંને મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ પાકિસ્તાન માટે સેમિફાઇનલની દાવેદારી મજબૂત કરવા માટે આ મેચમાં સારો દેખાવ કરવો ખૂબ જરૂરી છે.
દુબઈની પિચ પર બેટિંગ કે બોલિંગ?
દુબઈમાં રમાઈ રહેલી મહિલા T20 એશિયા કપ 2026ની અત્યાર સુધીની મેચોના આંકડા પર નજર કરીએ તો પિચનો મિજાજ ઘણો રસપ્રદ રહ્યો છે.ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 6 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે.ટોસ જીત્યા બાદ મોટાભાગની ટીમોએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીની 8 મેચમાંથી 7 વખત ટોસ જીતનારી ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.જોકે,લક્ષ્યનો પીછો કરતી ટીમને ખાસ સફળતા મળી નથી.માત્ર 2 મેચમાં ચેઝ કરનારી ટીમ જીતવામાં સફળ રહી છે, જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.આ આંકડા દર્શાવે છે કે દુબઈની પિચ પર પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવો ફાયદાકારક બની શકે છે. ભારત અને પાકિસ્તાનની મેચમાં ટોસ જીતનારી ટીમ સામે પ્રથમ નિર્ણય લેતી વખતે મૂંઝવણ રહેવાની શક્યતા છે.
સ્પિન બોલરોની રહેશે મહત્વની ભૂમિકા
દુબઈની ધીમી પિચ પર સ્પિન બોલરોને અત્યાર સુધી સારો ફાયદો મળ્યો છે. ટૂર્નામેન્ટમાં સ્પિન બોલરોએ 5.1ના ઇકોનોમી રેટ સાથે કુલ 71 વિકેટ ઝડપી છે.આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંને માટે સ્પિન વિભાગ ખૂબ મહત્વનો બની શકે છે. ખાસ કરીને મધ્ય ઓવરોમાં સ્પિન બોલરો રન રોકવાની સાથે વિકેટ મેળવવામાં પણ મોટી ભૂમિકા ભજવી શકે છે.ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર ભારતીય ટીમ જ 150 કે તેથી વધુનો સ્કોર બનાવવામાં સફળ રહી છે. આથી ભારતની બેટિંગ લાઇનઅપ પાકિસ્તાન સામે પણ મોટો સ્કોર ઊભો કરવાનો પ્રયાસ કરશે.
https://x.com/BCCIWomen/status/2096168963164000362?s=20
દુબઈની ગરમી પણ બનશે પડકાર
મેચ દરમિયાન ખેલાડીઓને દુબઈના હવામાનનો પણ સામનો કરવો પડશે. મેચ સમયે મહત્તમ તાપમાન આશરે 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ પણ ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.આવી ગરમીમાં લાંબા સમય સુધી મેદાન પર રહેવું ખેલાડીઓ માટે શારીરિક રીતે પડકારજનક બની શકે છે. તેથી ટોસ બાદ યોગ્ય નિર્ણય લેવાની સાથે ખેલાડીઓની ફિટનેસ અને મેદાન પરની ઊર્જા પણ મેચના પરિણામમાં મહત્વની બની શકે છે.
દુબઈમાં ભારતનો રેકોર્ડ મજબૂત
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમનો T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ સારો રહ્યો છે. ભારતે અહીં અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે, જેમાં 4 મેચમાં જીત મેળવી છે અને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.ભારતીય ટીમને અહીં છેલ્લી વખત 2024માં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે હાર મળી હતી. ત્યારબાદ દુબઈમાં રમાયેલી સતત 4 મેચમાં ભારતે જીત મેળવી છે.આ રેકોર્ડ અને વર્તમાન ફોર્મને જોતા ભારતનું મનોબળ ઊંચું રહેશે. જોકે, ભારત-પાકિસ્તાનની મેચમાં દબાણ અલગ પ્રકારનું હોય છે અને પાકિસ્તાન પણ આ મેચમાં કોઈ કસર છોડવા માગશે નહીં.
ટોસ બનશે ગેમ ચેન્જર?
દુબઈની પિચના અત્યાર સુધીના આંકડા જોતા ટોસની ભૂમિકા ખૂબ મહત્વની બની શકે છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમની સફળતાનો દર વધુ રહ્યો છે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમોને મુશ્કેલી પડી છે.આથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટોસ જીત્યા બાદ કયો નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ ચાહકોની નજર રહેશે. ધીમી પિચ, સ્પિન બોલરોનું પ્રભુત્વ અને દુબઈની ગરમી વચ્ચે જે ટીમ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજશે તે ટીમને જીતનો ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો - Rohit Sharmaનો રેકોર્ડ જોખમમાં: જો આજે પાકિસ્તાન સામે સ્મૃતિ મંધાનાનું બેટ ગરજશે તો રચાશે નવો ઇતિહાસ!