બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને વનડે ટ્રાઇ-સિરીઝની શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન લિટન દાસને હિપમાં ઈજા થતાં આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. UAEમાં રમાઈ રહેલી આ ટ્રાઇ-સિરીઝમાં બાંગ્લાદેશ ઉપરાંત અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમ પણ ભાગ લઈ રહી છે. લિટન દાસની ગેરહાજરીમાં હવે તૌહીદ હૃદય ટીમની કમાન સંભાળી રહ્યો છે. લિટનને આ સિરીઝમાં બાંગ્લાદેશના પૂર્ણ સમયના વનડે કેપ્ટન તરીકે પ્રથમ વખત નેતૃત્વ કરવાની તક મળવાની હતી, પરંતુ ઈજાએ તેની યોજનામાં પાણી ફેરવી દીધું છે.
કેવી રીતે ઈજાગ્રસ્ત થયો લિટન દાસ?
બાંગ્લાદેશના ટીમ ફિઝિયો બાયેઝેદુલ ઇસ્લામ ખાને જણાવ્યું કે લિટન દાસે શુક્રવારે જમણા હિપના સાંધામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેની MRI તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જમણા હિપના સાંધામાં સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. લિટને મેચ રમવા માટે ફિટનેસ ટેસ્ટ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, તે જરૂરી માપદંડ પૂરા કરી શક્યો નહોતો. આ કારણે તેને આખી ટ્રાઇ-સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે તૌહીદ હૃદય સંભાળશે ટીમની કમાન
લિટન દાસની ગેરહાજરીમાં વાઇસ કેપ્ટન તૌહીદ હૃદયને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. તેના માટે આ મહત્ત્વની જવાબદારી છે, કારણ કે ટીમને ટૂર્નામેન્ટની શરૂઆતથી જ કેપ્ટન વગર રમવું પડી રહ્યું છે. હૃદય સામે હવે ટીમને યોગ્ય દિશામાં આગળ લઈ જવાનો પડકાર રહેશે. કેપ્ટનની ગેરહાજરીમાં ટીમનું સંતુલન જાળવવું અને ખેલાડીઓ પાસેથી સારું પ્રદર્શન મેળવવું તેના માટે મહત્ત્વનું રહેશે.
કેપ્ટન તરીકે લિટનની નવી શરૂઆત અટકી
લિટન દાસને આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશનો પૂર્ણ સમયનો વનડે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર કરવાની યોજના હેઠળ તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આ ટ્રાઇ-સિરીઝ તેના માટે નવા કેપ્ટન તરીકેની શરૂઆત કરવાની સારી તક હતી. જોકે, ઈજાને કારણે તે મેદાનમાં ઉતરી શકશે નહીં. હવે તેની ગેરહાજરીમાં હૃદય કેવી રીતે ટીમને સંભાળે છે તેના પર સૌની નજર રહેશે.
UAEમાં રમાઈ રહેલી આ ટ્રાઇ-સિરીઝમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ છે અને ફાઇનલ 23 ઓક્ટોબરે રમાવાની છે. તમામ મેચ અબુ ધાબીમાં યોજાઈ રહી છે. બાંગ્લાદેશની પ્રથમ મેચ ઝિમ્બાબ્વે સામે છે, જ્યારે આગામી 21 ઓક્ટોબરે તેનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. લિટન દાસની ગેરહાજરીમાં ટીમ માટે દરેક મેચ મહત્ત્વની રહેશે.
મેહિદી હસન મિરાજ પણ પ્રથમ મેચમાંથી બહાર
બાંગ્લાદેશને લિટન દાસની ઈજા ઉપરાંત મેહિદી હસન મિરાજની તબિયતને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તાવને કારણે મિરાજ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. જોકે, તેને આખી ટ્રાઇ-સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ માટે ખેલાડીઓની ફિટનેસ અને ટીમનું સંતુલન જાળવવું પડકારજનક બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે લિટન દાસ વગર તૌહીદ હૃદયની આગેવાનીમાં બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાં કેવું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચો: AB de Villiers: વિરાટ કોહલી ઘમંડી હતો ! ડિવિલિયર્સે કર્યો મોટો ખુલાસો