વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં મોટો ઉથલપાથલ જોવા મળી છે.વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ અને 217 રનથી હરાવીને માત્ર પોતાની પહેલી જીત નોંધાવી નથી.પરંતુ ટીમ ઈન્ડિયાને પણ નોંધપાત્ર ફાયદો કરાવ્યો છે.વેસ્ટ ઈન્ડિઝની જીતથી ટીમ ઈન્ડિયા એક સ્થાન ઉપર આવી ગઈ છે. દરમિયાન,પ્રથમ ટેસ્ટમાં કારમી હાર બાદ શ્રીલંકા પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર રીતે નીચે આવી ગયું છે.
શ્રીલંકાને બીજી ઇનિંગમાં 101 રનમાં ઓલઆઉટ
એન્ટિગુઆના સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં, યજમાન વેસ્ટ ઈન્ડિઝે દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ ઇનિંગમાં 318 રનની લીડ મેળવ્યા બાદ, કેરેબિયન બોલરોએ શ્રીલંકાને બીજી ઇનિંગમાં માત્ર 101 રનમાં ઓલઆઉટ કરી દીધું, મેચ એક ઇનિંગ અને 217 રનથી જીતી લીધી.
વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ જીત
અનુભવી ઝડપી બોલર કેમાર રોચે વેસ્ટ ઈન્ડિઝની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ઇનિંગમાં 11 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટ લીધી, જ્યારે જેડેન સીલ્સે ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને વિજય પર મહોર મારી. WTC ૨૦૨૫-૨૭ ચક્રમાં વેસ્ટ ઈન્ડિઝની આ પહેલી જીત છે. ટીમે અત્યાર સુધી નવ મેચ રમી છે, જેમાં એક જીત, એક ડ્રો અને સાત હારનો સામનો કરીને તે આઠમા સ્થાને છે.
ટીમ ઈન્ડિયાને ફાયદો થયો
બીજી તરફ, શ્રીલંકાને વર્તમાન WTC ચક્રમાં તેનો પહેલો પરાજય સહન કરવો પડ્યો. ટીમે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ રમી છે, જેમાં એક જીત, એક ડ્રો અને એક હારનો સમાવેશ થાય છે. આ કારમી હાર પછી, તેનો પોઈન્ટ ટકાવારી (PCT) ઘટીને 44.44 થઈ ગયો, અને તે ત્રીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગયો. શ્રીલંકાના ઘટાડાથી ભારતને સૌથી વધુ ફાયદો થયો છે. ભારતીય ટીમ હવે 48.15ના PCT સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, ટીમ ઈન્ડિયાને ફાઇનલની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે આગામી ટેસ્ટ સીરિઝમાં સતત સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો - Team Indiaની શરમજનક હાર, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 73 મેચની મહેનત પાણીમાં !