ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની 95મી વાર્ષિક સામાન્ય સભા આજે મુંબઈમાં તેમના હેડક્વાર્ટર ખાતે સંપન્ન થઈ હતી. આ બેઠકમાં IPLની નવી નિમણૂકોથી લઈને શતાબ્દી વર્ષના આયોજન અને અન્ય નાણાકીય બાબતો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં નવી નિમણૂકો
BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, જનરલ બોડીના બે પ્રતિનિધિઓની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં પહેલું નામ અરુણ સિંહ ધૂમિલનું છે, જ્યારે બીજું નામ એમ. ખૈરુલ જમાલ મજૂમદારનું છે. આ બંને હવે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય બનશે.
https://twitter.com/BCCI/status/2100885280425435256
નાણાકીય વર્ષના હિસાબો અને બજેટને મંજૂરી
જનરલ બોડીએ નાણાકીય વર્ષ 2025-26 માટે BCCIના ઓડિટ કરાયેલા એકાઉન્ટ્સ સ્ટેટમેન્ટને મંજૂરી આપી છે. આ સાથે જ જનરલ બોડીએ નાણાકીય વર્ષ 2026-27ના વાર્ષિક બજેટને પણ મંજૂરીની મહોર મારી છે. તેમજ વર્ષ 2026-27 માટે નવા ઓડિટર્સની પણ નિમણૂક કરવામાં આવી છે. જનરલ બોડીએ સર્વાનુમતે વર્ષ 2027માં યોજાનાર IPLની 20મી સિઝનને ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે.
https://twitter.com/BCCI/status/2100910325587665328
BCCIના શતાબ્દી મહોત્સવની તૈયારીઓ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠકમાં BCCIના શતાબ્દી વર્ષને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ શરૂ કરવાની વાત પર પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, જનરલ બોડીએ 2028માં BCCIના શતાબ્દી સમારોહ ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ શતાબ્દી સમારોહ આ વર્ષ દરમિયાન ચાલનારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે, જે ડિસેમ્બર 2027માં શરૂ થઈને 2028 સુધી ચાલશે અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
અન્ય મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો
અન્ય ચાર મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને BCCIએ તેને મંજૂરી આપી છે. જનરલ બોડીએ અમ્પાયરો અને મેચ રેફરીઓ માટે વધારેલા પેમેન્ટ સ્ટ્રક્ચર તેમજ ગ્રેડના પુનર્ગઠનને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત બીસીસીઆઈની 'યૌન ઉત્પીડન અટકાયત નીતિ' (Sexual Harassment Prevention Policy) હેઠળ બોર્ડની નવી ઇન્ટરનલ કમિટીની રચના કરવામાં આવી છે. આ બેઠકની ખાસ વિશેષતા એ રહી કે તેમાં બીસીસીઆઈની 'વય ચકાસણી નીતિ' (Age Verification Policy) ને અપડેટ કર્યા બાદ અમલમાં મૂકવામાં આવી છે. જનરલ બોડીએ સ્ટેટ યુનિટ્સ સાથે મળીને દિવ્યાંગ ક્રિકેટરોની સહાય માટેના ઉપાયો પર પણ ચર્ચા કરી હતી, જેમાં તેમના વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સુવિધાઓ તેમજ સંસાધનોનો સમાવેશ થાય છે.