ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ મિથુન મનહાસને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જમ્મુની સ્પેશિયલ રેલવે મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની સામે ઉંમરમાં ગેરરીતિ કરીને વયજૂથની ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાભ મેળવવાના આરોપો હેઠળ FIR નોંધવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે માત્ર અલગ-અલગ દસ્તાવેજોમાં જન્મતારીખની નોંધ અલગ હોવી એ જાલસાજીનો પુરાવો બની શકે નહીં.
કોણે કરી હતી ફરિયાદ?
આ વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ના પૂર્વ સંયુક્ત માનદ સચિવ સુદર્શન મેહતાએ મિથુન મનહાસ સામે અરજી દાખલ કરી હતી. તેમણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 175(3) હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મનહાસે જુનિયર અને સબ-જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી મેળવવા માટે અલગ-અલગ જન્મતારીખનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદીએ મહારાજા હરિ સિંહ એગ્રીકલ્ચર કોલેજિયેટ સ્કૂલના રેકોર્ડનો હવાલો આપ્યો હતો. તેના અનુસાર, સ્કૂલના રેકોર્ડમાં મનહાસની જન્મતારીખ 9 ડિસેમ્બર 1977 નોંધાયેલી હતી, જ્યારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની વેબસાઇટ પર 12 ઓક્ટોબર 1979 દર્શાવવામાં આવી હતી.
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
અરજી મળ્યા બાદ કોર્ટે જમ્મુના નોવાબાદ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર પાસેથી હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યો હતો. પોલીસ તપાસમાં મનહાસની જન્મતારીખ તેમના CBSE માર્કશીટ, PAN કાર્ડ, આધાર કાર્ડ અને ONGCના નોકરી સંબંધિત રેકોર્ડમાં એકસરખી 12 સપ્ટેમ્બર 1977 નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે કથિત જન્મતારીખના તફાવતને કારણે મનહાસને જુનિયર ક્રિકેટમાં કોઈ ગેરલાભ કે વિશેષ છૂટ મળી હોવાના પુરાવા મળ્યા નથી. દસ્તાવેજોમાં છેડછાડ કે ખોટા દસ્તાવેજ બનાવ્યાનું પણ સાબિત થઈ શક્યું નહોતું.
કોર્ટે અરજી કેમ ફગાવી?
જમ્મુના સબ-જજ અને સ્પેશિયલ રેલવે મેજિસ્ટ્રેટ સંદીપ સિંહ સેને પોતાના આદેશમાં નોંધ્યું કે ફરિયાદીએ મુખ્યત્વે DDCAની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી માહિતીની નકલ પર આધાર રાખ્યો હતો. મનહાસે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોય અથવા ખોટી જાહેરાત કરી હોય તે સાબિત કરતો કોઈ મૂળ કે પ્રમાણિત દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નહોતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર બે જગ્યાએ અલગ-અલગ જન્મતારીખ નોંધાયેલી હોવાને કારણે જાલસાજી કે દસ્તાવેજોમાં છેડછાડનો નિષ્કર્ષ કાઢી શકાય નહીં. ગુનાહિત જાલસાજી સાબિત કરવા માટે ખોટો દસ્તાવેજ બનાવવામાં આવ્યો હોવાનો અને તેની પાછળ બેઈમાની કે છેતરપિંડીનો ઇરાદો હોવાનો આધાર જરૂરી છે. આમ, મનહાસે ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાનો કે ગેરકાયદેસર લાભ મેળવવા જાણીજોઈને ખોટી માહિતી આપી હોવાનો પ્રથમદર્શી પુરાવો ન મળતાં કોર્ટે FIR નોંધવાની અરજી પૂરતા આધારના અભાવે ફગાવી દીધી.
આ નિર્ણયથી મિથુન મનહાસ સામે FIR નોંધવાની માંગ કરતી અરજીનો નિકાલ થયો છે. કોર્ટે તેમની સામેના આરોપોને સાબિત થયેલા ગુના તરીકે સ્વીકાર્યા નથી.
આ પણ વાંચો: Sandesh Explainer: રણજી ટ્રોફી ફેઝ-1 બાદ કોણ છે ટોપ-3 રન-સ્કોરર્સ જેણે બોલરોની ઊંઘ હરામ કરી દીધી?