હાલમાં ICCએ જાહેર કરેલી રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના બે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને કોનર એસ્ટરહુઈઝન અને લુઆન ડ્રે પ્રિટોરિયસે પોતાની વિસ્ફોટક બેટિંગના દમ પર રેન્કિંગમાં 60થી વધુ સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. બીજી તરફ, ટોપ10 રેન્કિંગમાં કોઈ મોટા ફેરફારો જોવા મળ્યો નથી. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન પ્રથમ સ્થાન પર મજબૂતીથી યથાવત છે, અને હાલમાં તેનું ટોચનું સ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત દેખાઈ રહ્યું છે.

ICC રેન્કિંગમાં આ બે ખેલાડીઓએ લગાવી છલાંગ

દક્ષિણ આફ્રિકાના બે યુવાન ક્રિકેટરોએ આક્રમક બેટિંગ કરીને ICC રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. જેમાં જમણેરી બેટ્સમેન કોનર એસ્ટરહુઈઝને 65 ક્રમની લાંબી છલાંગ લગાવી છે, જ્યારે લુઆન ડ્રે પ્રિટોરિયસ પણ 61 સ્થાન આગળ વધી ગયો છે. જો કે, આ બંને ખેલાડીઓ હજુ સુધી ટોપ10માં સ્થાન મેળવી શક્યા નથી. તાજેતરમાં યોજાયેલી ટ્રાય-સિરીઝમાં રમેલી કેટલીક શાનદાર ઈનિંગ્સના પરિણામે જ આ બંને ખેલાડીઓને રેન્કિંગમાં આટલો મોટો ફાયદો થયો છે.

ટૂંક સમયમાં શાનદાર પ્રદર્શન

ટ્રાઇ-સિરીઝમાં આ બંને બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. કોનર એસ્ટરહુઇઝએ નામીબિયા વિરુદ્ધ 88 રનની તોફાની ઇનિંગ રમ્યા બાદ ઝિમ્બાબ્વે સામે પણ 33 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે રેન્કિંગમાં 65 ક્રમનો મોટો કુદકો લગાવીને 627 રેટિંગ સાથે સીધા 25મા સ્થાને પહોંચી ગયા છે. કોનરે અત્યાર સુધીમાં 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3 અડધી સદી લગાવી ચુક્યો છે. બીજી તરફ જો લુઆન-ડ્રે પ્રિટોરિયસની વાત કરીએ તો તેણે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં 22 રન કર્યા હતા, અમે ત્યારબાદની બીજી મેચમાં 94 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ નામીબિયા સામે જબરદસ્ત રમઝટ બોલાવતા તેણે 101 રનની આકર્ષક સદી ફટકારી હતી. તેના આ જ તોફાની બેટિંગના કારણે તે 61 સ્થાનના સુધારા સાથે તે ICC રેન્કિંગમાં 43મા નંબરે આવી ગયો છે.

ઇશાન કિશન ટોચના સ્થાન પર યથાવત

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન ઇશાન કિશન ICC T20 રેન્કિંગમાં 910 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચના સ્થાન પર યથાવત છે. બીજા ક્રમે પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન 848 રેટિંગ સાથે યથાવત છે, જ્યારે ભારતનો જ અભિષેક શર્મા ત્રીજું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. બીજી તરફ, તાજેતરની મેચોમાં દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનું બેટ શાંત રહેતાં તેને એક ક્રમનું નુકસાન વેઠવું પડ્યું છે અને તે પાંચમા સ્થાને ધકાલાઈ ગયો છે. બ્રેવિસના આ નિરાશાજનક પ્રદર્શનનો લાભ ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને મળ્યો છે, જે એક સ્થાનના સુધારા સાથે ચોથા નંબરે પહોંચી ગયો છે.