ક્રિકેટના મેદાનમાં પોતાની આક્રમક બેટિંગથી બોલરોમાં ફફડાટ ફેલાવનાર ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ લિન અત્યારે એક ગંભીર વિવાદને કારણે ચર્ચામાં છે. દુનિયાભરની T20 લીગમાં પોતાની બેટિંગનો જાદુ બતાવનાર ક્રિસ લિનનો ઇંગ્લેન્ડમાં રમાયેલી T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટ દરમિયાન ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તપાસમાં તેના યુરિનના નમૂનામાં કોકેઇનના મેટાબોલાઇટની હાજરી મળી આવી હતી.
ઇંગ્લેન્ડના ક્રિકેટ રેગ્યુલેટરે આ મામલે લિન સામે કાર્યવાહી કરતાં તેને 1 મહિનાનો પ્રતિબંધ ફટકાર્યો હતો. જોકે, આ પ્રતિબંધની સજા તે અગાઉ જ પૂર્ણ કરી ચૂક્યો છે. 6 નવેમ્બર 2026ના રોજ આ સમગ્ર મામલો જાહેર થતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
ક્રિસ લિનનો ડ્રગ ટેસ્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યો?
36 વર્ષીય ક્રિસ લિન ઇંગ્લેન્ડની T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી રહ્યો હતો. 18 જુલાઈ 2026ના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ્સ ડે દરમિયાન તેનો એન્ટી-ડોપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.તેના યુરિનના નમૂનાને તપાસ માટે ફ્રાન્સની WADA માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસમાં કોકેઇનના મેટાબોલાઇટ બેન્ઝોયલેકગોનાઇનની હાજરી મળી આવી હતી.આ પછી ઇંગ્લેન્ડના ક્રિકેટ રેગ્યુલેટરે લિનને જાણ કરી અને તેની સામે તપાસ શરૂ કરી હતી. લિને પણ પોતાની ભૂલ સ્વીકારી હતી
લિને ક્યારે કર્યું હતું કોકેઇનનું સેવન?
તપાસ દરમિયાન ક્રિસ લિને 20 ઓગસ્ટે આપેલા જવાબમાં સ્વીકાર્યું હતું કે તેણે 15 જુલાઈની રાત્રે અને 16 જુલાઈની વહેલી સવારે કોકેઇનનું સેવન કર્યું હતું.જોકે, લિનની દલીલ હતી કે આ સેવન સ્પર્ધાની બહાર થયું હતું અને તેનો ક્રિકેટમાં પ્રદર્શન સુધારવા સાથે કોઈ સંબંધ નહોતો.ક્રિકેટ રેગ્યુલેટરે નિષ્ણાતોની મદદથી આ દલીલની તપાસ કરી હતી. નિષ્ણાતોએ પણ ઉપલબ્ધ પુરાવાના આધારે સ્વીકાર્યું હતું કે કોકેઇનનું સેવન સ્પર્ધાની બહાર થયું હતું. આ કારણથી તેના પર લાગેલી સજાની અવધિ ઓછી કરવામાં આવી હતી.
3 મહિનાની સજા ઘટાડીને 1 મહિનો કેમ કરવામાં આવી?
આ મામલે શરૂઆતમાં ક્રિકેટ રેગ્યુલેટર દ્વારા ક્રિસ લિનને 3 મહિનાનો પ્રતિબંધ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે, લિને પોતાની ભૂલ સ્વીકારી અને નશાના વ્યસનમાંથી બહાર આવવા માટે ખાસ સારવાર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.ઓક્ટોબરમાં સારવાર કાર્યક્રમ પૂર્ણ થયાના પુરાવા મળ્યા બાદ રેગ્યુલેટરે તેની સજા ઘટાડીને માત્ર 1 મહિનો કરી હતી.આ પ્રતિબંધ 31 જુલાઈથી 30 ઓગસ્ટ 2026 સુધી લાગુ રહ્યો હતો. એટલે કે ક્રિસ લિન હવે આ પ્રતિબંધની સજા પૂર્ણ કરી ચૂક્યો છે અને તેના પર આ મામલે હાલ કોઈ ચાલુ પ્રતિબંધ નથી
ફાઇનલમાં નોર્થમ્પ્ટનશાયર માટે રમ્યો હતો ક્રિસ લિન
ક્રિસ લિન T20 બ્લાસ્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતો હતો. તેણે સેમિફાઇનલમાં સમરસેટ સામે 39 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ મેચમાં તે પોતાની ટીમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.જોકે, ફાઇનલમાં હેમ્પશાયર સામે તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. તેમ છતાં નોર્થમ્પ્ટનશાયરે હેમ્પશાયરને હરાવીને ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.નોંધનીય છે કે લિનનો ડ્રગ ટેસ્ટ ફાઇનલ્સ ડે દરમિયાન લેવામાં આવ્યો હતો, પરંતુ રેગ્યુલેટરની તપાસમાં કોકેઇનનું સેવન સ્પર્ધાની બહાર થયું હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા માટે કેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે?
ક્રિસ લિન ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન રહ્યો છે. તેની ઓળખ ખાસ કરીને T20 ક્રિકેટમાં લાંબી સિક્સર ફટકારવા માટે થાય છે.
- ઉંમર: 36 વર્ષ
- દેશ: ઓસ્ટ્રેલિયા
- બેટિંગ: જમોડી
- આંતરરાષ્ટ્રીય T20 મેચ: 18
- વનડે મેચ: 4
- ખાસ ઓળખ: આક્રમક T20 બેટિંગ
- BBLમાં: સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
હવે ફરી ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે?
એક મહિનાનો પ્રતિબંધ પૂર્ણ કર્યા બાદ ક્રિસ લિન ફરીથી પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે પાત્ર છે. તેના નામની ચર્ચા આગામી બિગ બેશ લીગ માટે મેલબોર્ન રેનેગેડ્સ સાથે જોડાઈ રહી છે.જોકે, આ સમગ્ર ઘટનાએ ક્રિકેટમાં ખેલાડીઓની જવાબદારી અને નશીલા પદાર્થોના ઉપયોગ સામેના નિયમો અંગે ફરી ચર્ચા જગાવી છે. એક પ્રતિભાશાળી બેટ્સમેન માટે આ ઘટના તેની કારકિર્દીનો મોટો વિવાદ બની શકે છે
