આગામી સમયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હી ખાતે યોજાનારા T20 આંતરરાષ્ટ્રી મેચને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ને ઔપચારિક પત્ર લખીને 13 સપ્ટેમ્બર 2026ના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રસ્તાવિત આ મેચની તારીખ બદલવા અથવા તેને આગળ પાછળ રીશેડ્યૂલ કરવા વિનંતી કરી છે.
દિલ્હી પોલીસે ઊંચા કર્યા હાથ
ટ્રાફિક પોલીસે DDCAને પત્ર લખતા સ્પષ્ટતા કરી છે કે, 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાજધાની દિલ્હીમાં હાઈ-પ્રોફાઇલ BRICS સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક પરિષદમાં સામેલ થવા માટે વિશાળ સંખ્યામાં વિદેશી ડેલિગેશન, અગ્રણી મહાનુભાવો અને VVIP મહેમાનો દિલ્હીમાં હાજર રહેશે. તેમની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા, રૂટ ક્લિયરન્સ તેમજ VVIP કાફલાની અવિરત અવરજવર જાળવી રાખવાની મુખ્ય જવાબદારી દિલ્હી પોલીસ તંત્ર પર રહેશે.

ટ્રાફિક જામ અને અંધાધૂંધી સર્જાવાનો ભય
પોલીસના જણાવ્યા મુજબ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના આ હાઈ-વોલ્ટેજ મેચને નિહાળવા આશરે 25,000 થી 35,000 દર્શકો સ્ટેડિયમ પહોંચે તેવી શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિને કારણે અરુણ જેટલી સ્ટેડિયમ અને તેની આસપાસના સમગ્ર સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ અને અંધાધૂંધી સર્જાવાનો ભય છે.
BRICS સમિટને લીધે બંદોબસ્ત કરવો પડકારજનક
વધુમાં ટ્રાફિક પોલીસ ઉમેર્યું છે કે, BRICS સમિટ માટે પહેલેથી જ મોટા પાયે સુરક્ષા દળો અને ટ્રાફિક જવાનો તૈનાત રહેશે. આવી સ્થિતિમાં એક જ સમયે વૈશ્વિક સમિટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે વધારાનો બંદોબસ્ત કરવો તેમજ ટ્રાફિક વ્યવસ્થા સંભાળવી પોલીસ માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે.
હજુ સુધી મેચ રિશિડ્યૂલ થયો નથી
તો બીજી તરફ આ સમગ્ર મામલે DDCA એ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ ઇવેન્ટનું આયોજન સીધું તેમના સ્તરે થતું નથી. એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે જો મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવશે તો તેની સત્તાવાર માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. હાલ પૂરતો આ મુકાબલો 13 સપ્ટેમ્બરે અરુણ જેટલી સ્ટેડિયમમાં જ નિર્ધારિત છે, પરંતુ શિડ્યૂલમાં સંભવિત ફેરફાર અંગેનો આખરી નિર્ણય બોર્ડ અને મુખ્ય આયોજકો દ્વારા લેવાશે.