વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે.આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે અને ત્યારબાદ 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે. વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે.વેસ્ટ ઈન્ડિઝ લાંબા સમયથી ભારતની ધરતી પર વનડે શ્રેણી જીતી શક્યું નથી.હવે ડેરેન સેમીનું માનવું છે કે તેમની ટીમ પાસે આ લાંબી રાહનો અંત લાવવાની સારી તક છે. સેમીએ કહ્યું કે ભારત સામે તેની જ ધરતી પર રમવાથી વેસ્ટ ઈન્ડિઝને પોતાની વનડે ટીમની વાસ્તવિક સ્થિતિ સમજવાની તક મળશે.
કોચ ડેરેન સેમીએ શુ કહ્યું
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ડેરેન સેમીએ ભારત સામેની શ્રેણીને લઈને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે ભારત સામે રમવું હંમેશા એક મોટી સીરિઝનો ભાગ બનવા જેવું છે, કારણ કે ભારત વિશ્વ ક્રિકેટની ટોચની ટીમોમાં સામેલ છે.સેમીએ સ્વીકાર્યું કે વેસ્ટ ઈન્ડિઝને ભારતની ધરતી પર વનડે શ્રેણી જીત્યા ઘણો સમય થઈ ગયો છે. તેમના મતે આ શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાને પડકારવાની અને આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ટીમ ક્યાં ઊભી છે તે જાણવાની સારી તક છે.
https://x.com/MFarhan1200/status/2103336525702611146?s=20
ભારત સામેની સીરિઝ કેમ મહત્વની છે?
વેસ્ટ ઈન્ડિઝ માટે ભારત સામેની આ વનડે સીરિઝ માત્ર 3 મેચની શ્રેણી નથી. ટીમ આગામી 2027 વનડે વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થઈ શકી નથી. હવે તેને ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે.આ સ્થિતિમાં ભારત સામેની સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની તૈયારી ચકાસવાની મહત્વની તક બની શકે છે. ટીમને મજબૂત પ્રતિસ્પર્ધી સામે પોતાની બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની તક મળશે.બીજી તરફ, ભારત પોતાની ધરતી પર રમશે અને ટીમમાં અનુભવી ખેલાડીઓની હાજરી પણ જોવા મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓની સાથે શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે.
વેસ્ટ ઈન્ડિઝ માટે પડકાર મોટો
ભારતને તેના ઘરઆંગણે હરાવવું કોઈપણ ટીમ માટે પડકારજનક રહ્યું છે.જોકે ડેરેન સેમીનું નિવેદન દર્શાવે છે કે વેસ્ટ ઈન્ડિઝ આ પ્રવાસને માત્ર ઔપચારિક શ્રેણી તરીકે જોઈ રહ્યું નથી. ટીમ પોતાની ક્ષમતા ચકાસવા ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલા આંકડાને બદલવાનો પ્રયાસ કરશે.હવે જોવાનું રહેશે કે શાઈ હોપની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે કેવું પ્રદર્શન કરે છે અને શું તે 24 વર્ષથી ચાલી રહેલી રાહનો અંત લાવી શકે છે.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝનું શેડ્યૂલ
27 સપ્ટેમ્બર:પ્રથમ વનડે — ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
30 સપ્ટેમ્બર:બીજી વનડે — ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
3 ઓક્ટોબર:ત્રીજી વનડે — ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
આ પણ વાંચો - Babar Azamને લઈ પાકિસ્તાનના પૂર્વ ચીફ સિલેક્ટરનું ચોંકાવનારું નિવેદન