આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે મેદાન પર શિસ્ત જાળવવી જરૂરી છે. દક્ષિણ આફ્રિકાના બેટિંગ કોચ એશવેલ પ્રિન્સ અને વિકેટકીપર કાયલ વેરેઇનને આ વાતનો અનુભવ થયો છે. ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ICCએ બંને સામે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી છે. બંનેને સત્તાવાર ઠપકો આપવામાં આવ્યો છે અને તેમના શિસ્તભંગના રેકોર્ડમાં 1-1 ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન ઓપનર માર્ક્સ એકરમેનની વિકેટ પડ્યા બાદ બની હતી. એકરમેને કેચ આઉટના નિર્ણય સામે રિવ્યૂ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમ્પાયરોએ જણાવ્યું કે રિવ્યૂ માટે નિર્ધારિત 15 સેકન્ડની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. તેથી તેની રિવ્યૂની અપીલ સ્વીકારવામાં આવી નહોતી. એકરમેન જ્યારે મેદાનની બહાર જવા લાગ્યો ત્યારે બેટિંગ કોચ એશવેલ પ્રિન્સે અમ્પાયરો સામે વારંવાર એવી દલીલ કરી કે રિવ્યૂ લેવા માટેનો સમય હજી બાકી હતો. બીજી તરફ, પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હોવા છતાં કાયલ વેરેઇને એકરમેનને બાઉન્ડ્રીની અંદર જ રહેવા કહ્યું હતું. તેના કારણે બેટર મેદાન છોડે તેમાં વિલંબ થયો હતો.
ICCની કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ?
ICCએ પ્રિન્સ અને વેરેઇનને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચારસંહિતાની કલમ 2.8 હેઠળ દોષિત ગણાવ્યા છે. આ કલમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ અથવા વિરોધ દર્શાવવા સંબંધિત છે. બંનેનો આ 24 મહિનાના સમયગાળામાં પ્રથમ ગુનો હોવાથી તેમના રેકોર્ડમાં એક-એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો અને ICCના એમિરેટ્સ એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથ દ્વારા સૂચવવામાં આવેલી સજા પણ સ્વીકારી હતી. આથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.
લેવલ-1ના ગુનામાં કેટલી સજા થઈ શકે?
ICCના નિયમો પ્રમાણે લેવલ-1ના ઉલ્લંઘન માટે ઓછામાં ઓછી સત્તાવાર ઠપકાની સજા થઈ શકે છે. જ્યારે વધુમાં વધુ ખેલાડીની મેચ ફીના 50 ટકા સુધીનો દંડ અને 1 અથવા 2 ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. જો કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફના સભ્યને 24 મહિનામાં 4 કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ મળે તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં ફેરવવામાં આવે છે. 2 સસ્પેન્શન પોઈન્ટ મળવા પર એક ટેસ્ટ અથવા બે વનડે અથવા બે T20I મેચનો પ્રતિબંધ લાગી શકે છે. આ ઘટનામાં મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબરો, ત્રીજા અમ્પાયર ક્રિસ ગેફની તથા ચોથા અમ્પાયર લુબાલાલો ગુકુમાએ આરોપ લગાવ્યા હતા. ICCની કાર્યવાહી બાદ બંનેએ સજા સ્વીકારી લીધી છે.
આ પણ વાંચો: IND vs NZ ODI Series: આ 4 બેટર્સ પર રહેશે સૌથી વધુ નજર, જાણો આંકડાની માયાજાળ !