ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નવા રાઉન્ડની શરૂઆત જબરદસ્ત બોલિંગ સાથે થઈ છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મુકાબલાઓમાં વરસાદના કારણે અનેક મેચમાં વિક્ષેપ પડ્યો, પરંતુ રમત શરૂ થયા બાદ કેટલાક મેદાનો પર ઝડપી બોલરોનો કહેર જોવા મળ્યો. કાર્ડિફમાં ગ્લેમોર્ગન અને વૉરિકશર વચ્ચે રમાઈ રહેલી મેચમાં તો બેટિંગની હાલત એટલી ખરાબ રહી કે યજમાન ટીમ માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

માત્ર 2 કલાકમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ

ગ્લેમોર્ગન અને વૉરિકશર વચ્ચેની મેચ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી.જોકે રમત શરૂ થતાં જ વૉરિકશરના બોલરોએ ગ્લેમોર્ગનના બેટ્સમેનોને એક પછી એક પેવેલિયન મોકલવાનું શરૂ કરી દીધું.ગ્લેમોર્ગને માત્ર 9 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આમાંથી 2 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા.ત્યારબાદ ટીમનો સ્કોર થોડો સુધરતો દેખાયો,પરંતુ 39 રન સુધીમાં ગ્લેમોર્ગનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ.એટલે કે ટોપ-5 બેટ્સમેનોમાંથી કોઈ પણ મોટી ઇનિંગ રમી શક્યો નહીં.

ઈથન બેમ્બરે મચાવ્યો કહેર

ગ્લેમોર્ગનના ટોપ અને મિડલ ઓર્ડરની કમર તોડવાનું કામ વૉરિકશરના ઝડપી બોલર ઈથન બેમ્બરે કર્યું.27 વર્ષના જમણા હાથના આ ઝડપી બોલરે ગ્લેમોર્ગનના શરૂઆતના 5 બેટ્સમેનોને આઉટ કરીને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી. બેમ્બરે એક પછી એક વિકેટ લઈને ગ્લેમોર્ગનની બેટિંગને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખી.આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈથન બેમ્બરની એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની 6મી ઘટના હતી.બેમ્બરના શાનદાર સ્પેલ બાદ એડ બર્નાર્ડે પણ 3 વિકેટ લઈને ગ્લેમોર્ગનની મુશ્કેલી વધારી દીધી.

https://x.com/CountyChamp/status/2097335354302836824?s=20

ગ્લેમોર્ગનનો આ સીઝનનો સૌથી ઓછો સ્કોર

વૉરિકશરના બોલિંગ આક્રમણ સામે ગ્લેમોર્ગનની ઇનિંગ ક્યારેય સંભાળી શકાઈ નહીં.બાકીની 5 વિકેટ પણ માત્ર 30 રનની અંદર પડી ગઈ અને આખી ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ની વર્તમાન સીઝનમાં ગ્લેમોર્ગનનો આ અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.ગ્લેમોર્ગનની બેટિંગની નિષ્ફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 11 બેટ્સમેનોમાંથી માત્ર 1 ખેલાડી જ 10 રનનો આંકડો પાર કરી શક્યો.ટીમ તરફથી કોલિન ઇન્ગ્રામે સૌથી વધુ 19 રન બનાવ્યા. બાકીના 10 બેટ્સમેનોમાંથી કોઈ પણ દહાઈનો આંકડો પાર કરી શક્યો નહોતો. તેમાં 4 બેટ્સમેન એવા હતા જે પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા.

વૉરિકશરના બોલરો સામે ગ્લેમોર્ગન બેકફૂટ પર

વરસાદના કારણે મેચની શરૂઆતમાં વિક્ષેપ પડ્યો હોવા છતાં રમત શરૂ થતાં જ વૉરિકશરના બોલરોએ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.ઈથન બેમ્બરની 5 વિકેટ અને એડ બર્નાર્ડની 3 વિકેટના કારણે ગ્લેમોર્ગનની આખી ટીમ માત્ર 69 રનમાં સમેટાઈ ગઈ.કાઉન્ટી ચેમ્પિયનશિપમાં બેટ્સમેનો માટે એક મુશ્કેલ દિવસ રહ્યો, પરંતુ ઈથન બેમ્બર માટે આ મેચ યાદગાર બની ગઈ.

આ પણ વાંચો - Duleep Trophy Final Day 4 Live: દક્ષિણ ઝોન પર ફોલોઓનનું મોટું સંકટ, બધાની નજર તિલક વર્મા પર