કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2026માં બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ અને જમૈકા કિંગ્સમેન વચ્ચે રમાયેલી મેચનો અંતિમ ઓવર રોમાંચથી ભરપૂર રહ્યો હતો.બાર્બાડોસને જીત માટે છેલ્લી 6 બોલમાં 17 રનની જરૂર હતી અને ટીમ પાસે માત્ર 2 વિકેટ બાકી હતી.આવી મુશ્કેલ સ્થિતિમાં ગુડાકેશ મોતી બેટિંગ કરવા આવ્યા અને પોતાની ટીમને યાદગાર જીત અપાવી.મોતીની આક્રમક બેટિંગના કારણે બાર્બાડોસે જમૈકા સામે 2 વિકેટથી જીત મેળવી.મેચની છેલ્લી બોલ પર બાઉન્ડ્રી ફટકારીને મોતી ટીમને જીત સુધી લઈ ગયા.આ જીત સાથે બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સે CPL 2026ના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું.
જમૈકાએ બનાવ્યા હતા 150 રન
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી જમૈકા કિંગ્સમેને 9 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા.તેના જવાબમાં બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ માટે લક્ષ્ય સરળ નહોતું.જોકે અંત સુધી લડત આપ્યા બાદ બાર્બાડોસે 8 વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી.બાર્બાડોસની આ જીત સાથે જ પ્લેઓફનું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું. રસપ્રદ વાત એ રહી કે હાર છતાં જમૈકા કિંગ્સમેન પણ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યા.જમૈકાની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને રહી અને સેન્ટ લુસિયા કિંગ્સને પાછળ છોડી દીધું. બીજી તરફ સેન્ટ લુસિયા કિંગ્સને સતત 3 હાર બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડ્યું.
https://x.com/CPL/status/2099001828482400602?s=20
છેલ્લા 6 બોલમાં મોતીનો ધમાકો
151 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે બાર્બાડોસને અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી.ટીમની માત્ર 2 વિકેટ બાકી હતી, જેના કારણે જમૈકા જીતની નજીક દેખાઈ રહ્યું હતું.પરંતુ ગુડાકેશ મોતીના મનમાં કંઈક બીજું જ હતું. તેણે છેલ્લી ઓવરની શરૂઆત પોઈન્ટ ઉપરથી શાનદાર ચોગ્ગો ફટકારીને કરી. ત્યારબાદ ઓડિયન સ્મિથે સતત 2 વાઈડ બોલ ફેંકતાં બાર્બાડોસને વધુ રન મળ્યા.હવે બાર્બાડોસને 5 બોલમાં 11 રનની જરૂર હતી. મોતી ફરી આક્રમક બન્યા અને લોંગ ઓફની ઉપરથી સિક્સ ફટકારી. આ છગ્ગા બાદ મેચનું પાસું બાર્બાડોસ તરફ વળી ગયું.
છેલ્લા બોલે મેચનો નિર્ણય
મેચની છેલ્લી બોલ પહેલાં બંને ટીમનો સ્કોર બરાબર થઈ ગયો હતો. એટલે કે બાર્બાડોસને જીત માટે માત્ર 1 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રહેલા મોતી પર ટીમને જીત અપાવવાની જવાબદારી હતી.મોતીના બેટમાંથી બોલ બાઉન્ડ્રી તરફ ગયો અને બાર્બાડોસે 2 વિકેટે રોમાંચક જીત મેળવી. જીત બાદ મોતી મેદાનમાં ઉછળી પડ્યા અને સાથી ખેલાડીઓ સાથે જોરદાર ઉજવણી કરી.
પ્લેઓફમાં ફરી ટકરાશે બાર્બાડોસ અને જમૈકા
બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સની લીગ તબક્કામાં હજુ 1 મેચ બાકી છે. આ મેચમાં તેનો સામનો પોઈન્ટ્સ ટેબલની ટોચની ટીમ ગુયાના એમેઝોન વોરિયર્સ સામે થશે.જોકે પ્લેઓફનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. એલિમિનેટરમાં બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ અને જમૈકા કિંગ્સમેન ફરી એકબીજા સામે ટકરાશે. જ્યારે ક્વોલિફાયર-1માં ગુયાના એમેઝોન વોરિયર્સનો સામનો એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ સામે થશે.આ રીતે CPL 2026ની આ મેચમાં ગુડાકેશ મોતીની છેલ્લી ઓવરની આક્રમક બેટિંગ માત્ર બાર્બાડોસને જીત અપાવવામાં જ નહીં, પરંતુ ટીમને પ્લેઓફમાં પહોંચાડવામાં પણ નિર્ણાયક સાબિત થઈ.
આ પણ વાંચો - Women's Asia Cup Final : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે? સ્ટાર બેટ્સમેનના કંગાળ ફોર્મ બાદ ઉઠ્યા સવાલ