ઇંગ્લેન્ડના ઝડપી બોલર ક્રેગ માઇલ્સે માત્ર 32 વર્ષની ઉંમરે વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 15 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરમાં 500થી વધુ વિકેટ ઝડપનાર માઇલ્સે પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ મોટો નિર્ણય લીધો છે. તેમણે ગ્લોસ્ટરશાયર કાઉન્ટી ક્લબની વેબસાઇટ પર એક ભાવુક ખુલ્લો પત્ર લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ક્રેગ માઇલ્સે જૂન 2026 છેલ્લી મેચ રમી
ક્રેગ માઇલ્સે છેલ્લે જૂન 2026માં વિટાલિટી બ્લાસ્ટમાં ગ્લોસ્ટરશાયર તરફથી મેચ રમી હતી. ત્યારબાદ તેઓ ક્રિકેટથી દૂર રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પોતાના કરિયર, માનસિક સ્થિતિ અને ક્રિકેટ સાથેના સંબંધ અંગે ગંભીરતાથી વિચાર કર્યો હતો. અંતે તેમણે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.માઇલ્સે પોતાના ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે ક્રિકેટ છોડવાનો નિર્ણય તેમના માટે સરળ નહોતો. જોકે, હાલની પરિસ્થિતિમાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી તેમના માટે જરૂરી બની ગઈ હતી.
માનસિક દબાણને કારણે નિર્ણય લીધો
તેમણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી તેઓ માનસિક દબાણ, પોતાની પાસેથી રાખવામાં આવતી વધુ પડતી અપેક્ષાઓ અને સતત આત્મશંકાનો સામનો કરી રહ્યા હતા. પોતાના માટે નક્કી કરેલા ઊંચા માપદંડને કારણે ઘણી વખત તેમના માટે મુશ્કેલી ઊભી થતી હતી. જ્યારે મેદાન પર તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહેતું, ત્યારે તેઓ પોતાની ક્ષમતા અંગે પણ સવાલ કરવા લાગતા હતા.
https://x.com/Gloscricket/status/2106005963132076277?s=20
16 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ
ક્રેગ માઇલ્સે માત્ર 16 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ રીતે તેમણે ખૂબ જ નાની ઉંમરે વ્યાવસાયિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી.15 વર્ષના કરિયરમાં માઇલ્સે શાનદાર આંકડા નોંધાવ્યા હતા. તેમણે 111 ફર્સ્ટ ક્લાસ, 57 લિસ્ટ-એ અને 71 ટી20 મેચ રમી હતી. ત્રણેય ફોર્મેટમાં મળીને તેમણે કુલ 512 વિકેટ ઝડપી હતી.ગ્લોસ્ટરશાયર માટે માઇલ્સનું યોગદાન ખાસ રહ્યું હતું. ઝડપી બોલિંગથી તેમણે ટીમને અનેક મહત્વપૂર્ણ મેચોમાં સફળતા અપાવવામાં મદદ કરી હતી. જોકે, આટલા શાનદાર સ્થાનિક કરિયર છતાં તેમને ઇંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી નહોતી.
માનસિક સ્વાસ્થ્યને આપી પ્રાથમિકતા
માઇલ્સે જણાવ્યું હતું કે કરિયરના શરૂઆતના વર્ષોમાં તેઓ ખરાબ ફોર્મ અથવા મુશ્કેલ સમયને માત્ર એક નાની અડચણ સમજીને આગળ વધી જતા હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી.તેમને લાગ્યું કે હવે તેઓ પોતાની પાસેથી નક્કી કરેલા સ્તર પ્રમાણે તાલીમ અને પ્રદર્શન કરવા માટે જરૂરી માનસિક સ્થિતિમાં નથી. તેથી તેમણે ક્રિકેટ ચાલુ રાખવા કરતાં પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો.32 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહેવું ચોક્કસપણે મોટો નિર્ણય છે, પરંતુ 512 વિકેટ સાથે ક્રેગ માઇલ્સનું કરિયર સ્થાનિક ક્રિકેટમાં તેમની ક્ષમતા અને સતત મહેનતનું ઉદાહરણ બની રહ્યું છે.
આ પણ વાંચો - Kainat Imtiazએ નિવૃત્તિ જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવ્યું