ભારતીય ક્રિકેટ ટીમ 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સીરિઝમાં રમતી જોવા મળશે.આ સીરિઝ પહેલાં ટીમ ઈન્ડિયાએ જુલાઈમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે T20I સીરિઝ રમી હતી.ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન યુવા ખેલાડીઓ અને નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. જોકે, હવે પસંદગીકારોએ ફરી એક વખત અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓની વાપસી થઈ છે. બીજી તરફ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમનો ભાગ રહેલા 8 ખેલાડીઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું નથી. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે સતત પરાજય બાદ ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેટલાક યુવા ખેલાડીઓને અજમાવ્યા હતા. હવે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ટીમનું સંયોજન ફરી બદલાયું છે.

સંજુ સેમસનની થઈ વાપસી

અફઘાનિસ્તાન સામેની ટીમમાં સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની વાપસીને લઈને થઈ રહી છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે સેમસનની પસંદગી કરવામાં આવી ન હતી. તે સમયે તેમને આરામ આપવામાં આવ્યો હોવાની ચર્ચા હતી.જોકે,ટીમમાંથી બહાર રહેવાને કારણે અનેક સવાલો પણ ઉઠ્યા હતા.હવે સેમસનની વાપસી બાદ ભારતીય ટીમમાં ઓપનિંગ સ્થાન માટે સ્પર્ધા વધુ રસપ્રદ બની શકે છે. ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને સેમસન જેવા વિકલ્પો હોવાથી ટોપ ઓર્ડરમાં કોને તક મળે છે તેના પર પણ નજર રહેશે.

જસપ્રીત બુમરાહ પણ ટીમમાં પરત ફર્યો

ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પણ T20I ટીમમાં વાપસી થઈ છે.માર્ચ બાદ પ્રથમ વખત બુમરાહને T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.જોકે,અફઘાનિસ્તાન સામે તે રમશે કે નહીં તે BCCIની મેડિકલ ટીમ પાસેથી મળનારી ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે.આ ઉપરાંત ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ટીમમાં વાપસી થઈ છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે અક્ષરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.હવે તેની વાપસીથી ભારતીય ટીમને બેટિંગ અને બોલિંગ બંનેમાં વધુ મજબૂતી મળી શકે છે.

https://x.com/ICC/status/2094817570029437401?s=20

આ 8 ખેલાડીઓ થયા બહાર

અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સંજુ સેમસન, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.બીજી તરફ ઝિમ્બાબ્વે પ્રવાસની ટીમમાં રહેલા સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ અને પ્રભસિમરન સિંહને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં સ્થાન મળ્યું નથી.આમાંથી રિંકુ સિંહને બહાર રાખવાનો નિર્ણય સૌથી વધુ ચર્ચામાં છે. 2024માં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે રિંકુ ટીમનો ભાગ હતો. જોકે, ત્યારથી તે ભારતીય T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. બીજી તરફ યુવા ઝડપી બોલર મયંક યાદવને પણ આ શ્રેણીમાં તક મળી નથી.

અફઘાનિસ્તાન સામે ભારતની T20I ટીમ

શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકપ્તાન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.

આ પણ વાંચો - Womens T20 Asia Cup : પોઈન્ટ્સ ટેબલમાં ભારતનો દબદબો, જાણો પાકિસ્તાન ટીમ કયા સ્થાને