વર્લ્ડ ક્રિકેટમાં 2018ના સૅન્ડપેપર કાંડની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં આ વિવાદને લઈને કેટલાક નવા ખુલાસા કર્યા બાદ ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સની ભૂમિકાને લઈને પણ સવાલો ઊભા થયા હતા. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે 2018માં ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ રહેલા ડેરેન લેહમેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને બોલ ટેમ્પરિંગના કાવતરા વિશે કોઈ જાણકારી નહોતી.
'મેં દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરી ગુમાવી'
2018માં ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતી. કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સૅન્ડપેપર કાંડ સામે આવ્યો હતો. આ સમયે ડેરેન લેહમેન ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ હતા.આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યા બાદ લેહમેને ABC રેડિયો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે 2018માં જે કંઈ થયું તેને લઈને આજે પણ તેમનો અભિગમ એ જ છે. તે તેમના જીવનનો ખૂબ જ મુશ્કેલ સમય હતો.લેહમેનના જણાવ્યા અનુસાર, રિવર્સ સ્વિંગ મેળવવા માટે બોલની એક બાજુ ખરબચડી બનાવવાની પદ્ધતિ ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવે છે. જોકે, 2018માં આ મામલો હદથી આગળ વધી ગયો હતો. કોચ તરીકે તેની જવાબદારી સ્વીકારતાં તેમણે કહ્યું કે લોકો માને છે કે તેમણે કંઈ ગુમાવ્યું નથી, પરંતુ હકીકતમાં તેમણે દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરી ગુમાવી હતી.તેમણે આ ઘટના માટે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે તે મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં તેમને લગભગ 3થી 4 વર્ષ લાગ્યા હતા.
