13 વર્ષ અગાઉ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ભલે રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેનો દબદબો આજે પણ એટલો જ છે. એક રીપોર્ટ મુજબ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધા બાદ પણ સચિનની બ્રાન્ડ વેલ્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના ટોપ-10 સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીઝમાં સ્થાન મેળવનારા તે એકમાત્ર નિવૃત્ત ખેલાડી છે. સચિને બ્રાન્ડ વેલ્યુની બાબતમાં મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. આ યાદીમાં માત્ર વિરાટ કોહલી જ તેમનાથી આગળ છે.

બ્રાન્ડ વેલ્યુમાં 12.2 ટકાનો વધારો

આ રિપોર્ટ અનુસાર, સચિન તેંડુલકર લાંબા સમયથી મેદાનથી દૂર હોવા છતાં તેની બ્રાન્ડ વેલ્યુ ઘટી નથી, પરંતુ ઉત્તરોત્તર વધી રહી છે. વર્ષ 2025માં તેની બ્રાન્ડ વેલ્યુમાં 12.2 ટકાના વધારા સાથે 12.59 કરોડ ડોલર (લગભગ ₹ 1208 કરોડ) પર પહોંચી ગઈ છે. બ્રાન્ડ વેલ્યુમાં આવેલા આ જબરદસ્ત ઉછાળાને કારણે તે રેન્કિંગમાં પાંચમા સ્થાનેથી કૂદકો મારીને ચોથા ક્રમે આવી ગયો છે.

સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ 12.5 કરોડ

સચિનની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ 12.5 કરોડ (125 મિલિયન) યુઝર્સથી વધુ પહોંચી ગઈ છે. જ્યારે ગત એક વર્ષમાં તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં 20 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં તેની પાસે કૃષિ, ટાયર, ફિનટેક, ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોની 25થી વધુ નામી કંપનીઓની બ્રાન્ડ્સ છે. લગભગ અઢી દાયકાની અદ્ભુત કારકિર્દી બાદ પણ સચિનની બ્રાન્ડ વેલ્યુ યથાવત છે. તેની અપાર વિશ્વસનીયતા અને ઈમેજે જ તેને આજે પણ કોર્પોરેટ જગતમાં કંપનીઓના સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે.

ગ્રાહકોનો સચિન પર અતુટ વિશ્વાસ

સચિન તેંડુલકરને અન્ય સેલિબ્રિટીઝની સરખામણીએ એટલે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આજે પણ ગ્રાહકોનો તેના પર અતુટ વિશ્વાસ છે. બ્રાન્ડ્સ અને કંપનીઓ પણ હંમેશા એવા જ ચહેરાની તલાશમાં હોય છે જેના પર દેશની જનતા આંખ બંધ કરીને ભરોસો કરી શકે. તે દેશની 25થી વધુ અગ્રણી કંપનીઓ સાથે જોડાયેલો છે. અન્ય બ્રાન્ડ્સનું પ્રમોશન કરવા ઉપરાંત સચિન તેંડુલકરે અનેક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. આ સિવાય સચિને સીધા રોકાણ કરવાને બદલે કંપનીઓ સાથે પાર્ટનરશીપ પણ કરી છે.