મહેન્દ્ર સિંહ ધોનીને ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમની કેપ્ટનશિપ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં એક એવી ઘટના બની હતી જેની બહુ ઓછા લોકોને જાણ હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ ખુલાસો કર્યો છે કે IPL 2023 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના એક ખેલાડીએ ધોની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેમને ગાળો પણ આપી હતી. આ ઘટનાથી ટીમમાં એટલી નારાજગી હતી કે કેટલાક લોકોએ ધોનીને તે ખેલાડીને ટીમમાંથી બહાર કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, ધોનીએ અંગત અહંકાર કરતાં ટીમના હિતને વધારે મહત્ત્વ આપ્યું હતું.
ખેલાડીને ઘરે મોકલવાની માગ થઈ હતી
આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, 2023માં જ્યારે CSKએ છેલ્લે IPL ટ્રોફી જીતી હતી, ત્યારે ટીમના એક ખેલાડીએ ધોની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેણે ધોનીને ગાળો પણ આપી હતી. આ ઘટનાથી ટીમના કેટલાક સભ્યો નારાજ થયા હતા. તેમણે ધોનીને કહ્યું હતું કે આ ખેલાડીને ઘરે મોકલી દેવો જોઈએ. ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી અને તેના વિના પણ મેચ જીતી શકે તેમ હતી. તેથી તેને ટીમમાં રાખવાની જરૂર નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ધોનીએ કહ્યું- હું મારો અહંકાર ગળી જઈશ
ચોપરાના જણાવ્યા પ્રમાણે, ધોનીએ આ માગ સ્વીકારી નહોતી. તેમણે ખેલાડીની ભૂલને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા સાથે જોડવાને બદલે ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હતી. ચોપરાએ ધોનીના જવાબનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “તે મૂર્ખની જેમ વર્તી રહ્યો છે, પરંતુ હું કેપ્ટન છું. જો હું મારા અહંકારને વચ્ચે લાવું તો તેને સામાન પકડાવીને ઘરે મોકલી શકું છું. પરંતુ તે મારા માટે ઉપયોગી સાબિત થશે. તે ચેન્નાઈને જીતવામાં મદદ કરશે. તેથી ઠીક છે, હું મારો અહંકાર અને સ્વાભિમાન ગળી જઈશ અને તેને રમાડતો રહીશ.” ચોપરાએ આ નિર્ણયને શાનદાર ગણાવ્યો હતો. જોકે, તેમણે આ ખેલાડીનું નામ જાહેર કર્યું નહોતું પરંતુ સોશિયલ મીડિયા પર આકાશ સિંહનું નામ ચર્ચામાં આવ્યું હતુ, પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
ધોનીનો નિર્ણય સાચો સાબિત થયો, CSKએ પાંચમી ટ્રોફી જીતી
IPL 2023માં ધોનીની આગેવાની હેઠળ CSKએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. આ સાથે CSKએ મુંબઈ ઇન્ડિયન્સના પાંચ ખિતાબના રેકોર્ડની બરાબરી કરી હતી. આકાશ ચોપરાએ જણાવ્યું કે ધોનીએ ખેલાડીને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો અને અંતે ટીમે ટાઇટલ પણ જીત્યું. જોકે, તે ખેલાડીએ ટાઇટલ જીતવામાં કેટલું યોગદાન આપ્યું હતું તેની ચોક્કસ વિગતો ચોપરાએ આપી નહોતી.
IPLમાંથી નિવૃત્તિ બાદ CSK સાથે નવી ભૂમિકા
ધોનીએ 17 નવેમ્બર 2026ના રોજ IPLમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ જાહેર કરી છે. જોકે, તેઓ CSK સાથે જોડાયેલા રહેશે અને IPL 2027થી ટીમના મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે.
આ પણ વાંચો: MS Dhoni IPL Retirement : ગ્રાઉન્ડમાં નહીં પણ આ રીતે થયું MS ધોનીનું રિટાયર્મેન્ટનું સેલીબ્રેશન, વાયરલ થયા Photos