ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે દુલિપ ટ્રોફી 2026ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. અત્યાર સુધીમાં ત્રણ દિવસની રમત પૂરી થઇ ચૂકી છે. ઈશાન કિશનની આગેવાની હેઠળની ઈસ્ટ ઝોને મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જેના કારણે સાઉથ ઝોન પર હવે ભારે દબાણ છે.
દુલિપ ટ્રોફી જીતવા તરફ ઈસ્ટ ઝોન
હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે જો કોઈ મોટો ચમત્કાર ન થાય તો ઈસ્ટ ઝોન દુલિપ ટ્રોફીનો ખિતાબ સરળતાથી પોતાના નામે કરી લેશે. મેચના ત્રીજા દિવસે સાઉથ ઝોન ટીમના કેપ્ટન તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. પરંતુ તેની બેટિંગ ખૂબ જ ધીમી રહી હતી. જેના કારણે દર્શકોને તિલકની બેટિંગ કંટાળાજનક લાગી હતી. સાઉથ ઝોનને હવે મેચમાં વાપસી કરવા માટે મોટી ભાગીદારીની જરૂર વર્તાઈ રહી છે.
સાઉથ ઝોન પાસે માત્ર 4 વિકેટો જ બાકી
ઇશાન કિશને કરેલી તોફાની બેટિંગ અને બેવડી સદીની મદદથી ઇસ્ટ ઝોને દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પોતાની પહેલી ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો. વિશાળ લક્ષ્યનો પીછો કરતા ત્રીજા દિવસના અંત સુધીમાં આખો દિવસ બેટિંગ કર્યા પછી પણ સાઉથ ઝોનની ટીમ તેની નજીક પણ પહોંચી શકી ન હતી. રમત પૂરી થઈ ત્યાં સુધીમાં સાઉથ ઝોને 6 વિકેટ ગુમાવીને માત્ર 242 રન બનાવ્યા હતા. ટીમ હજુ પણ 466 રન પાછળ ચાલી રહી છે. સાઉથ ઝોન પાસે હવે માત્ર 4 વિકેટો જ બાકી છે, માટે આ સ્કોર સુધી ટીમ પહોંચી શકશે તેવું લાગતું નથી. ઓપનર રિકી ભુઈ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. નારાયણ જગદીશન 32 રન અને દેવદત્ત પડિક્કલ 62 રન કરીને પવેલિયન ભેગા થઇ ગયા હતા. જો કે, પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલો કેપ્ટન તિલક વર્મા હાલમાં પણ ક્રિઝ પર અણનમ રમી રહ્યા છે.
તિલકની કંટાળાજનક બેટિંગ
અત્યાર સુધીમાં તિલક વર્માએ 133 બોલનો સામનો કરીને માત્ર 56 રન જ બનાવી શક્યો છે. તેણે બેટિંગ દરમિયાન માત્ર પાંચ ચોગ્ગા જ ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 42.11 જ રહ્યો હતો. તે 50 ના સ્ટ્રાઇક રેટ સુધી પણ પહોંચી શક્યો ન હતો. હવે મેચના ચોથા દિવસે દક્ષિણ ઝોનની ટીમ વધુ કેટલા રન ઉમેરી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
જો મેચ ડ્રો થઇ તો?
પાંચ દિવસની મેચ પછી પણ જો કોઈ પરિણામ ન આવ્યું અને મેચ જો ડ્રો રહે છે તો આ સ્થિતિમાં પ્રથમ ઇનિંગમાં વધુ રન બનાવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. હાલની પરિસ્થિતિ જોતાં, એવું લાગી રહ્યું છે કે આ મેચમાં પૂર્વ ઝોનનો હાથ ઉપર છે. મેચ ચોથા દિવસે એટલે કે બુધવારે જ પૂરી થઈ શકે છે. જો ઇસ્ટ ઝોનની ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા જાય છે તો ટીમ કેટલા રન બનાવે છે તે પણ જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાચો : Sher-E-Punjab T20 League: નમન ધીરે મચાવ્યો તાંડવ! 64 બોલમાં 173 રન ફટકાર્યા, બોલરોની કરી ધોલાઈ