દુલીપ ટ્રોફી 2026નો ખિતાબ ઈશાન કિશનના નેતૃત્વ હેઠળ ઈસ્ટ ઝોને પોતાના નામે કરી લીધો છે. ટીમને આ ટ્રોફી જીતવા માટે 13 વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી હતી. આ ઐતિહાસિક ફાઈનલ મેચમાં ઈશાન કિશને કરેલી તોફાની બેટિંગે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેણે પ્રથમ દાવમાં 30 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 270 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જ્યારે બીજા દાવમાં પણ 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે મહત્વપૂર્ણ 80 રન ફટકાર્યા હતા. આ બંને દાવના જોરે ઈશાને 65 વર્ષ જૂનો ઇતિહાસ બદલી નાખીને દુલીપ ટ્રોફી મેચમાં સૌથી વધુ રન બનાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
ઈશાન કિશને બનાવ્યો અનોખો રેકોર્ડ
આ મેચ ઈશાન કિશને કુલ 350 રન બનાવ્યા હતા, તેની સાથે જ તે દુલીપ ટ્રોફીમાં એક જ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સન 1961માં શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના 65 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખેલાડીએ એક મેચમાં 350 રનનો જંગી આંકડો પાર કર્યો છે. કેપ્ટન તરીકેની આ મેચ-વિનિંગ ઇનિંગ્સે ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના પરિણામે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
