ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે નવેમ્બર 2026માં રમાનારી વનડે અને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડે 3 વનડે અને 5 T20 મેચ માટે અલગ-અલગ ટીમ પસંદ કરી છે. હેરી બ્રુક બંને ટીમનો કેપ્ટન રહેશે. આગામી 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીને ધ્યાનમાં રાખીને વનડે ટીમમાં લગભગ મજબૂત સંયોજન પસંદ કરાયું છે, જ્યારે T20 શ્રેણી માટે કેટલાક મુખ્ય ઝડપી બોલરોને આરામ આપવામાં આવ્યો છે. 

T20 શ્રેણીમાં 4 મુખ્ય ફાસ્ટ બોલરોને આરામ

ઇંગ્લેન્ડે જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર અને જોશ ટંગને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યા નથી. આ ચારેય ઝડપી બોલરો વનડે શ્રેણી બાદ પ્રવાસમાંથી પરત ફરશે. ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલાં તેમના વર્કલોડનું સંચાલન કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, આર્ચર અને એટકિન્સન સહિતના બોલરોને વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ આગામી વર્ષે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. તેથી ટીમ મેનેજમેન્ટ વનડેમાં મજબૂત ખેલાડીઓને તક આપવા માગે છે, જ્યારે T20માં નવા ખેલાડીઓને અજમાવવાની યોજના છે. 

જેકબ બેથેલ અને ફિલ સોલ્ટની વાપસી

જેકબ બેથેલ ઘૂંટણની ઈજામાંથી સાજો થયા બાદ બંને ફોર્મેટની ટીમમાં પરત ફર્યો છે. તેણે જુલાઈમાં ભારત સામેની વનડે શ્રેણી દરમિયાન ઈજા સહન કરી હતી. જોફ્રા આર્ચર પણ પાકિસ્તાનમાં રમાનારી ત્રિકોણીય શ્રેણીમાંથી આરામ લીધા બાદ વનડે ટીમમાં પાછો ફર્યો છે. T20 ટીમમાં ફિલ સોલ્ટની પણ વાપસી થઈ છે. તે જાંઘની ઈજાને કારણે શ્રીલંકા સામેની અગાઉની શ્રેણી રમી શક્યો નહોતો. બીજી તરફ, જોસ બટલર હેમસ્ટ્રિંગની સર્જરી બાદ રિહેબિલિટેશનમાં હોવાથી પ્રવાસમાંથી બહાર છે. ઝડપી બોલર સાકિબ મહમૂદ પણ ઘૂંટણની ઈજાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. 

18 વર્ષીય થોમસ રેવે પહેલી વખત મળી તક

ઇંગ્લેન્ડની T20 ટીમમાં નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. 18 વર્ષીય વિકેટકીપર-બેટર થોમસ રે અને ઝડપી બોલર એડી જેકને પ્રથમ વખત સિનિયર ઇંગ્લેન્ડ ટીમમાં સ્થાન મળ્યું છે. હેનરી ક્રોકોમ્બ અને જેમ્સ કોલ્સ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની રેસમાં છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 7 નવેમ્બરે પર્થમાં વોર્મ-અપ મેચથી થશે. ત્યારબાદ 13 નવેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે, જ્યારે પાંચ મેચની T20 શ્રેણી 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રમાશે. આ પ્રવાસ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપની તૈયારી અને નવા ખેલાડીઓની ક્ષમતા ચકાસવાની મહત્વપૂર્ણ તક બની રહેશે. 

આ પણ વાંચો: APL: મહિલાઓના અધિકારોના સમર્થનમાં મોટો નિર્ણય, APLમાંથી હટ્યો ઇંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર