ઈંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષના વૂડે ઈજાઓને કારણે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે તબીબી સલાહ મુજબ હવે ટેસ્ટ અને 50 ઓવરની ક્રિકેટ રમવી શક્ય નથી. વૂડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 11 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન તેમણે ઈંગ્લેન્ડ માટે 38 ટેસ્ટ, 70 વનડે અને 38 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને કુલ 253 વિકેટ લીધી. વૂડે 2015માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 

છેલ્લી મેચ બાદ ફરી મેદાન પર પરત ન આવી શક્યા

વૂડની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી એશિઝની પ્રથમ ટેસ્ટ હતી. તે પહેલાં તેઓ લાંબા સમય સુધી ઈજાને કારણે બહાર રહ્યા હતા. ઘૂંટણની સર્જરી બાદ લગભગ 8 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા પછી તેમણે એશિઝમાં વાપસી કરી હતી. પર્થ ટેસ્ટમાં તેમણે માત્ર 11 ઓવર બોલિંગ કરી હતી. ત્યારબાદ તેમના ઘૂંટણમાં ફરી સોજો આવ્યો અને તેમને સારવાર માટે પાછા ફરવું પડ્યું. ત્યારથી તેઓ ઈંગ્લેન્ડ માટે ફરી આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નહોતા. અંતે તબીબી સલાહ અને ઈજાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે સંન્યાસનો નિર્ણય લીધો.

વૂડે સંન્યાસની જાહેરાત કરતી વખતે કહ્યું કે તેમણે દરેક ઈજા બાદ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેઓ ઈજા સામેની લડાઈ હારી ગયા. તેમણે ઈંગ્લેન્ડ માટે રમવાને પોતાના જીવનનું સૌથી મોટું સન્માન ગણાવ્યું અને કહ્યું કે દુનિયાભરમાં ફરવાની અને શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવાની તક તેમના માટે યાદગાર રહી.

2019 અને 2022માં વર્લ્ડ કપ જીત્યા

માર્ક વૂડ ઈંગ્લેન્ડની બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા. 2019માં ઈંગ્લેન્ડે ઘરઆંગણે વનડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે વૂડે 10 મેચમાં 18 વિકેટ લીધી હતી. તેમની ઝડપી બોલિંગ ટીમ માટે મહત્વની રહી હતી. ત્યારબાદ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. વૂડે આ ટૂર્નામેન્ટમાં 4 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. એશિઝમાં પણ વૂડનું મહત્વનું યોગદાન રહ્યું. 2015માં પોતાની પ્રથમ એશિઝ શ્રેણીમાં તેમણે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એશિઝ પાછી અપાવનાર મહત્વની વિકેટ લીધી હતી. 2023ની એશિઝમાં પણ તેમણે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ઝડપથી મેચનો માહોલ બદલી નાખ્યો હતો.

વૂડના કરિયરના આંકડા

ટેસ્ટ ક્રિકેટમાં વૂડે 38 મેચમાં 119 વિકેટ લીધી. વનડેમાં 70 મેચમાં તેમના નામે 80 વિકેટ છે, જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 મેચમાં 54 વિકેટ લીધી. 54 ટી20 વિકેટ સાથે તેઓ ઈંગ્લેન્ડના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં છઠ્ઠા ક્રમે છે. ઈંગ્લેન્ડના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ પણ વૂડની કારકિર્દીને યાદગાર ગણાવી અને કહ્યું કે એશિઝની જીત અને બંને વર્લ્ડ કપમાં તેમનું યોગદાન ખાસ રહ્યું હતું. વૂડ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર થયા છે, જોકે તેઓ ક્રિકેટ સાથે કોઈ અન્ય ભૂમિકામાં જોડાયેલા રહેવાની આશા રાખે છે.

આ પણ વાંચો: ICC T20I Ranking : ટીમ ઈન્ડિયાએ લગાવી છલાંગ, ઈંગ્લેન્ડને પછાડી નંબર-1 બની