પાકિસ્તાનના અનુભવી ઓપનર ફખર ઝમાને શ્રીલંકા સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભલે મોટી ઇનિંગ ન રમી હોય,પરંતુ પોતાની ટૂંકી ઇનિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.ફખર ઝમાન પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનારા પાકિસ્તાનના પ્રથમ બેટ્સમેન બન્યા છે.જોકે, તેમની આ વ્યક્તિગત સિદ્ધિ છતાં પાકિસ્તાનને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.શ્રીલંકાએ કેપ્ટન કુસલ મેન્ડિસની શાનદાર બેટિંગના આધારે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે શ્રીલંકાએ પાકિસ્તાનને ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરતાં અટકાવ્યું હતું.
એક છગ્ગાથી ફખર ઝમાને રચ્યો ઇતિહાસ
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ પહેલાં ફખર ઝમાનના નામે 99 છગ્ગા હતા. 100 છગ્ગાનો આંકડો પૂરો કરવા માટે તેમને માત્ર એક છગ્ગાની જરૂર હતી.ફખરે શ્રીલંકાના ડાબોડી ઝડપી બોલર બિનુરા ફર્નાન્ડોની બોલિંગમાં છગ્ગો ફટકારીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. તેમણે પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 113મી ઇનિંગમાં 100 છગ્ગા પૂરા કર્યા હતા.જોકે, આ સિદ્ધિ મેળવ્યા બાદ ફખર લાંબો સમય ક્રીઝ પર ટકી શક્યા નહોતા. તેમ છતાં, પાકિસ્તાની ક્રિકેટમાં છગ્ગાની સદી ફટકારનારા પ્રથમ બેટ્સમેન તરીકે તેમનું નામ નોંધાયું છે.

કેપ્ટન સાહિબઝાદા ફરહાને સંભાળી પાકિસ્તાનની ઇનિંગ
પાકિસ્તાને શરૂઆતની બંને મેચ જીતીને ત્રણ મેચની શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.તેથી ત્રીજી મેચ જીતીને શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાની તક પાકિસ્તાન પાસે હતી.શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.તેનો નિર્ણય સફળ રહ્યો હતો,કારણ કે પાકિસ્તાની બેટ્સમેનો નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા.એક સમયે પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 102 રન હતો.આ મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન સાહિબઝાદા ફરહાને એક છેડો સંભાળ્યો હતો.તેમણે 47 બોલમાં 76 રન બનાવ્યા હતા,જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો.ત્યારબાદ યુવા ઓલરાઉન્ડર અરાફાત મિનહાસે ઝડપી બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.તેમણે 20 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા.આ રીતે પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા.
શ્રીલંકાની 8 વિકેટે જીત
શ્રીલંકા તરફથી દસુન શનાકાએ અસરકારક બોલિંગ કરી હતી.તેમણે 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનના બેટ્સમેનોને મોટો સ્કોર બનાવતાં રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ શ્રીલંકાએ લક્ષ્યાંકનો પીછો કરતાં 8 વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન કુસલ મેન્ડિસની શાનદાર બેટિંગે ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી.આમ,ફખર ઝમાનની ઐતિહાસિક સિદ્ધિ છતાં પાકિસ્તાનને અંતિમ મેચમાં હાર મળી હતી. જોકે,શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતવાને કારણે પાકિસ્તાને શ્રેણી પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો - Shikhar Dhawanનો પારો સાતમા આસમાને,T20 લીગ વિવાદ કોર્ટ પહોંચશે? આપી સીધી ચેતવણી!