IPLમાં ખેલાડી તરીકેની નિવૃત્તિ જાહેર કર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની કારકિર્દીની યાદગાર પળોનો વીડિયો મૂક્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કભી કભી'નું લોકપ્રિય ગીત 'મૈં હર એક પલ કા શાયર હૂં' સાંભળવા મળે છે. ધોનીના કેપ્શને પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
ધોનીએ કેપ્શનમાં શું લખ્યું?
ધોનીએ વીડિયો સાથે લખ્યું, 'ફેન્સે મને ખોટો સાબિત કર્યો. આ વાત સ્વીકારવા માટે આનાથી સારું ગીત બીજું કોઈ હોઈ શકે નહીં. કદાચ આ ગીતનાં બે વર્ઝન એટલા માટે બનાવવામાં આવ્યાં હશે કે હું ભૂલ કરી શકું અને પછી તેને સ્વીકારી શકું.' ધોનીના આ કેપ્શનને તેમની નિવૃત્તિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ચાહકોને આશા હતી કે તેઓ IPL 2027માં પણ રમશે અને મેદાન પર જ પોતાની સફરનો અંત લાવશે. પરંતુ ધોનીએ ખેલાડી તરીકે IPL છોડવાનો નિર્ણય લીધો. હવે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા રહેશે.
https://www.instagram.com/reel/Df1-VeCPfcS/?utm_source=ig_web_button_share_sheet
ગીતે 2020ની યાદ અપાવી
ધોનીએ પસંદ કરેલું 'મૈં હર એક પલ કા શાયર હૂં' ગીત સાહિર લુધિયાનવીના શબ્દો અને ફિલ્મ 'કભી કભી' સાથે જોડાયેલું છે. ગીતના શબ્દો જીવનની દરેક ક્ષણ અને પોતાની કહાનીની વાત કરે છે. ધોનીના ક્રિકેટ પ્રવાસની ઝલક સાથે આ ગીતે વીડિયોને વધુ ભાવુક બનાવી દીધો. ખાસ વાત એ છે કે ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતી વખતે પણ પોતાના વીડિયો સાથે આ જ ગીતનો ઉપયોગ કર્યો હતો. છ વર્ષ બાદ ફરી એ જ ગીત પસંદ કરીને તેમણે ચાહકોને જૂની યાદોમાં લઈ ગયા છે.
ધોનીની પત્ની સાક્ષીએ પણ પતિ માટે ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું, 'કેટલાક અધ્યાયનો અંત એટલા માટે આવે છે, જેથી નવા અને સુંદર અધ્યાયની શરૂઆત થઈ શકે.' સાક્ષીએ ધોનીને વર્ષોથી પ્રેમ અને સમર્થન આપનારા ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે માહીને પ્રેમ કરનારા અને તેમના પર વિશ્વાસ રાખનારા તમામ લોકોના પ્રેમ માટે તેઓ હંમેશાં આભારી રહેશે. અંતમાં સાક્ષીએ લખ્યું, 'તમારા પર ખૂબ ગર્વ છે માહી. હંમેશાં.'
હવે મેદાન પર નહીં, ડગઆઉટમાં દેખાશે ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી છે કે ધોની IPL 2027થી ટીમના માર્ગદર્શક તરીકે નવી ભૂમિકા સંભાળશે. એટલે હવે તેઓ પીળી જર્સીમાં બેટિંગ કરતા જોવા નહીં મળે, પરંતુ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા જોવા મળશે.
ધોનીએ પોતાની IPL કારકિર્દીમાં પાંચ વખત ચેન્નાઈને ચેમ્પિયન બનાવી હતી. તેમની નિવૃત્તિથી ચાહકો માટે એક યાદગાર યુગ પૂરો થયો છે. જોકે, ધોનીએ પોતાની પોસ્ટના કેપ્શનમાં નવા અધ્યાયની વાત તો કરી છે, પરંતુ ચાહકો માટે તેમની યાદોનો અધ્યાય ક્યારેય પૂરો થવાનો નથી.
આ પણ વાંચો: IPL 2027: કોની પાસે સૌથી વધુ પૈસા? IPL 2027 ઓક્શન પહેલાં 10 ટીમોનું ગણિત બદલાયું