વિમેન્સ એશિયા કપ 2026ની 9મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને આવી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવી મોટી જીત નોંધાવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. બીજી તરફ પાકિસ્તાનને મહિલા એશિયા કપ 2026માં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે.ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના નિરાશ અને ગુસ્સામાં જોવા મળી હતી. મેચ બાદ તેણે પોતાની ટીમના બેટર્સના પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી હતી. ફાતિમા સનાએ સ્પષ્ટ કહ્યું હતું કે ટીમની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને સમગ્ર મેચ દરમિયાન રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો.
ફાતિમા સનાએ બેટિંગક્રમને જવાબદાર ગણાવી
મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ફાતિમા સનાએ કહ્યું હતું કે તેમની ટીમની બેટિંગ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી. પાકિસ્તાની બેટર્સ સતત રન બનાવવા માટે મુશ્કેલીમાં રહ્યા હતા અને આ કારણે ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કેમ લીધો તે અંગે ફાતિમા સનાએ જણાવ્યું કે પીચ નવી હતી અને તેથી ટીમ બોર્ડ પર મોટામાં મોટો સ્કોર નોંધાવવા માગતી હતી. પાકિસ્તાનને પોતાની બોલિંગ પર વિશ્વાસ હતો અને તેમને આશા હતી કે મોટો સ્કોર બનાવીને ભારતીય ટીમને દબાણમાં લાવી શકાશે. જોકે, ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટિંગને માત્ર 55 રનમાં સમેટી દીધી હતી.
https://x.com/Qamar5618/status/2096282888547324166?s=20
પોતાના 3 વિકેટના પ્રદર્શનથી પણ ખુશ નહોતી
ફાતિમા સનાએ આ મેચમાં બોલિંગ દરમિયાન 3 વિકેટ ઝડપી હતી.તેમ છતાં ટીમને હાર મળતાં તેણીએ પોતાના વ્યક્તિગત પ્રદર્શનને મહત્વ આપ્યું નહોતું.તેણે કહ્યું કે જ્યારે ટીમ મેચ હારી જાય ત્યારે વ્યક્તિગત પ્રદર્શનનો કોઈ અર્થ રહેતો નથી.ટીમ માટે સૌથી મહત્વની બાબત મેચ જીતવાની હતી.પાકિસ્તાનની કેપ્ટને આગામી મેચ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ટીમ આગામી મેચમાં સારું ક્રિકેટ રમવાનો પ્રયાસ કરશે અને છેલ્લી મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.
ભારતે 68 બોલ બાકી રહેતા મેચ જીતી
મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ ભારતીય બોલરો સામે તેની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. પાકિસ્તાનની ટીમ 18.1 ઓવરમાં માત્ર 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.જવાબમાં ભારતીય ટીમે માત્ર 8.4 ઓવરમાં 57 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.ભારતે આ મુકાબલો 68 બોલ બાકી રહેતા પોતાના નામે કર્યો હતો.બાકી રહેલી બોલના આધારે મહિલા T20I ક્રિકેટમાં ભારતની આ ચોથી સૌથી મોટી જીત છે. ભારતે આ મામલે પોતાની સૌથી મોટી જીત 2022માં નોંધાવી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ થાઈલેન્ડને 84 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.
હરમનપ્રીત કૌર પણ ટીમના પ્રદર્શનથી ખુશ
મેચ જીત્યા બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે સમગ્ર ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આ મેચ ભારત માટે ખૂબ મહત્વની હતી અને ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી તે ખૂબ ખુશ છે.હરમનપ્રીત કૌરે ભારતીય બોલરોની ખાસ પ્રશંસા કરી હતી.તેણે કહ્યું કે તમામ બોલરોએ શાનદાર બોલિંગ કરી, પોતાની યોજના પ્રમાણે બોલિંગ કરી અને પીચના મિજાજને પણ સારી રીતે સમજ્યો.ભારતે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 3 વિકેટ ગુમાવી હતી.તેના વિશે હરમનપ્રીત કૌરે કહ્યું કે વિકેટ ગુમાવવી રમતનો એક ભાગ છે.પાકિસ્તાની ટીમે કેટલીક સારી બોલિંગ પણ કરી હતી,પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે બેટર્સે ક્રીઝ પર ટકી રહીને મેચને શક્ય તેટલી ઝડપથી પૂરી કરી.ભારત હવે સેમિફાઇનલ માટે તૈયાર છે,જ્યારે પાકિસ્તાન માટે આગામી મેચ ખૂબ મહત્વની બની ગઈ છે.સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને પોતાની આગામી મેચમાં મજબૂત વાપસી કરવી પડશે.
આ પણ વાંચો - IND W vs PAK W : ભારતની ઐતિહાસિક જીત બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું ચોકવનારું નિવેદન