વિમેન્સ એશિયા કપ 2026માં શનિવારે, 5 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનું પરિણામ ભલે એકતરફી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય ઓપનર શેફાલી વર્માને આઉટ કર્યા બાદ ફાતિમા સનાએ જે રીતે સેલિબ્રેશન કર્યું હતું તેના કારણે ક્રિકેટ ચાહકોનું ધ્યાન તેની તરફ ગયું છે.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ભારત સામે માત્ર 55 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ પ્રથમ જ બોલ પર સિક્સ ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે, તે લાંબી ઇનિંગ રમી શકી નહોતી અને માત્ર 12 રન બનાવીને બીજા ઓવરમાં આઉટ થઈ ગઈ હતી.
શેફાલીને આઉટ કર્યા બાદ ફાતિમાનું સેલિબ્રેશન
ફાતિમા સનાની બોલિંગ પર શેફાલી વર્માના બેટની કિનારી લાગી હતી અને બોલ સીધો ફાતિમાના હાથમાં ગયો હતો. આ રીતે ફાતિમાએ કેચ પકડીને શેફાલીને આઉટ કરી હતી.વિકેટ મળ્યા બાદ ફાતિમાએ શેફાલી તરફ જોઈને તેને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. તેના આ સેલિબ્રેશનનો વીડિયો મેચ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. જોકે, શેફાલીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી અને શાંતિથી મેદાનની બહાર જતી રહી હતી.ફાતિમાએ આ મેચમાં માત્ર શેફાલી જ નહીં, પરંતુ ભારતની અન્ય બે મહત્વની વિકેટ પણ ઝડપી હતી. તેણે પ્રતિકા રાવલને 4 રનના સ્કોર પર આઉટ કરી હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાનાને 9 રને LBW કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો.
https://x.com/SonySportsNetwk/status/2096287412880310516?s=20
પાવરપ્લેમાં ફાતિમાનો શાનદાર રેકોર્ડ
ફાતિમા સનાએ ભારત સામે પાવરપ્લેમાં 3 વિકેટ લઈને પોતાની બોલિંગનો દમ પણ બતાવ્યો હતો.આ પ્રદર્શન સાથે તેણે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન બે વખત 3 વિકેટ લેનારી ફુલ મેમ્બર ટીમની માત્ર ચોથી બોલર બનવાની સિદ્ધિ મેળવી હતી.ફાતિમાએ શરૂઆતમાં ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું, પરંતુ તેની બોલિંગ પાકિસ્તાનને જીત અપાવવા માટે પૂરતી સાબિત થઈ નહોતી.
હરમનપ્રીત અને દીપ્તિએ સંભાળી જવાબદારી
ભારતીય ટીમે 29 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે પાકિસ્તાનને મેચમાં વાપસીની આશા દેખાઈ હતી. જોકે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ જવાબદારી સંભાળી હતી.બંનેએ સમજદારીપૂર્વક બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોને વધુ કોઈ તક આપી નહોતી. દીપ્તિએ 7મી ઓવરમાં નશરા સંધુની બોલિંગમાં આગળ આવીને મિડવિકેટ ઉપરથી શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.ત્યારબાદ 9મી ઓવરમાં હરમનપ્રીત કૌરે સિક્સ ફટકારીને ભારતને 7 વિકેટે વિજય અપાવ્યો હતો. ભારતે માત્ર 8.4 ઓવરમાં 57 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ
આ પહેલાં ભારતીય સ્પિનરોએ પાકિસ્તાનની બેટિંગને માત્ર 55 રનમાં સમેટી દીધી હતી.શ્રી ચરણી,પ્રેમા રાવત,શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ પાકિસ્તાની બેટર્સને ખુલ્લેઆમ રમવાની તક આપી નહોતી.પાકિસ્તાનનો સ્કોર એક સમયે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 27 રન હતો, પરંતુ ત્યારબાદ વિકેટો પડવાનો સિલસિલો શરૂ થયો હતો. શવાલ ઝુલ્ફિકાર 14 અને મુનીબા અલી 13 રન બનાવી શક્યા હતા. આ બંને સિવાય પાકિસ્તાનની કોઈ પણ બેટર 10 રનનો આંકડો પાર કરી શકી નહોતી.આ રીતે ફાતિમા સનાએ વ્યક્તિગત રીતે શાનદાર બોલિંગ કરી હોવા છતાં પાકિસ્તાનને ભારત સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - LIVEDuleep Trophy Final LIVE : ઈસ્ટ ઝોનની ઇનિંગ્સ શરૂ, વૈભવ અને અભિમન્યુ ક્રિઝ પર