ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગંભીરએ પહેલીવાર બંનેના સમીકરણ પર ખુલ્લેઆમ વાત કરી છે. ગંભીરએ કહ્યું કે રોહિત સાથેનો તેમનો સંબંધ માત્ર કોચ અને કેપ્ટન પૂરતો નથી. બંને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખે છે અને સાથે ક્રિકેટ રમ્યા હોવાથી એકબીજાની વિચારસરણી પણ સારી રીતે સમજે છે.ગંભીરે કહ્યું કે જ્યારે રોહિત ભારતીય ટીમમાં આવ્યો ત્યારે તે પોતે ટીમનો સિનિયર ખેલાડી હતો. એટલે રોહિત અને તેની ઓળખ કોચ બન્યા પછીની નથી. બંનેએ લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમી છે. આ કારણે રોહિત ગંભીરની વિચારસરણી જાણે છે અને ગંભીર પણ રોહિત કેવી રીતે વિચારે છે તે સમજે છે.

‘સાથે રમ્યા હોય તો ઘણી બાબતો સરળ બને’

ગંભીરે કહ્યું કે જ્યારે બે ખેલાડીઓ લાંબા સમય સુધી સાથે રમે છે ત્યારે એકબીજાને સમજવું સરળ બને છે. મેચ દરમિયાન કોચ અને કેપ્ટનની વિચારસરણી અલગ હોઈ શકે છે. કોઈ નિર્ણયને લઈને બંનેના મત અલગ હોય તે પણ શક્ય છે. પરંતુ અંતે જે નિર્ણય લેવામાં આવે તે ટીમના હિતમાં હોવો સૌથી મહત્વનો છે. ગંભીરે કહ્યું કે તેની નજર હંમેશા ભારતીય ક્રિકેટના હિત પર રહી છે. તેણે પોતાના કોચિંગ કાર્યકાળ દરમિયાન કામ કરેલા તમામ કેપ્ટનોના વલણની પણ પ્રશંસા કરી અને કહ્યું કે દરેકે ટીમને પોતાના કરતાં આગળ રાખી છે.

ગંભીરએ 4 કેપ્ટન સાથે કામ કર્યું

જુલાઈ 2024માં ભારતીય ટીમના હેડ કોચ બન્યા બાદ ગંભીર અત્યાર સુધી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને શુભમન ગિલ સાથે કામ કરી ચૂક્યા છે. ગંભીરએ કહ્યું કે ચારેય કેપ્ટનોની વિચારસરણી અલગ રહી છે, પરંતુ ટીમને પ્રથમ સ્થાન આપવાની બાબત દરેકમાં જોવા મળી છે. ગંભીરએ કહ્યું કે વિચારધારા, રમતને જોવાની રીત અને મેચ વાંચવાનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે, પરંતુ જો ખેલાડી અને કેપ્ટનની નિયત ટીમના હિતમાં હોય તો સપોર્ટ સ્ટાફ માટે કામ કરવું સરળ બની જાય છે.

શ્રેયસ ઐયર અને શુભમન ગિલની પણ પ્રશંસા

ગંભીરે શ્રેયસ ઐયર સાથેના પોતાના જૂના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો. બંને કોલકાતા નાઈટ રાઈડર્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત 2018માં ગંભીરએ દિલ્હી ટીમની કેપ્ટનશિપ શ્રેયસને સોંપી હતી અને તે સમયે પણ તેની અંદર લીડરશિપની ક્ષમતા જોઈ હોવાનું ગંભીરએ જણાવ્યું હતું. શુભમન ગિલ વિશે વાત કરતા ગંભીરએ કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસમાં 5 ટેસ્ટની કેપ્ટનશિપ મળવી મોટી જવાબદારી હતી. ગંભીરના મતે ગિલે ટેસ્ટ ક્રિકેટને જે રીતે સંભાળ્યું છે તે શાનદાર રહ્યું છે અને આવનારા વર્ષોમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ફરી એક ડ્રેસિંગ રૂમમાં

ગંભીર અને રોહિત હવે ફરી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં સાથે જોવા મળશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાવાનો છે. રોહિત ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ વનડે ક્રિકેટમાં હજુ ભારત માટે રમી રહ્યો છે. રોહિત અને ગંભીર વચ્ચે અનબન હોવાની ચર્ચા અગાઉ પણ થઈ હતી, પરંતુ ગંભીરના આ નિવેદનમાં બંને વચ્ચેની લાંબા સમયની ઓળખ અને પરસ્પર સમજ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગંભીરએ સ્પષ્ટ કર્યું કે કોચ કે કેપ્ટનની વિચારસરણી અલગ હોય શકે, પરંતુ અંતિમ નિર્ણય ટીમના હિતમાં લેવાય તે સૌથી મહત્વનું છે.

આ પણ વાંચો: GAUTAM GAMBHIRએ પોતાના 2 વર્ષનો હિસાબ આપ્યો,નિષ્ફળતાઓ પર પણ કરી ખુલ્લી વાત