ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) હંમેશા પોતાના આક્રમક અંદાજ અને ગંભીર સ્વભાવ માટે જાણીતા છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં ગંભીર ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હોમિયોપેથીની દવા (Homeopathic Medicine) લેતા નજરે પડી રહ્યા છે.


ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ન્યૂ ચંદીગઢમાં એક રોમાંચક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન કેમેરાની નજર ભારતીય ડ્રેસિંગ રૂમ તરફ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌતમ ગંભીર એક નાની પ્લાસ્ટિકની ડબ્બીમાંથી તેના ઢાંકણમાં કેટલીક સફેદ હોમિયોપેથીની ગોળીઓ નીકાળે છે અને થોડી જ વારમાં તે મોઢામાં નાખી લે છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સવાલો પૂછી રહ્યા છે કે, "શું ગૌતમ ગંભીરને કોઈ બીમારી છે?" જોકે, અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કે માહિતી સામે આવી નથી.


ગંભીરના કોચિંગ હેઠળ ભારતનો સુવર્ણકાળ

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ 9 જુલાઈ 2024ના રોજ ગૌતમ ગંભીરને ભારતીય ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેમનો કોચિંગ ગ્રાફ શાનદાર રહ્યો છે. તેમની દેખરેખ હેઠળ મેન ઇન બ્લુ (Team India) એ શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 એશિયા કપ 2025 અને તાજેતરમાં જ રમાયેલા T20 વર્લ્ડ કપ 2026નો મોટો ખિતાબ પોતાના નામે કર્યો છે.

ખેલાડી તરીકે પણ રહ્યો છે લાજવાબ રેકોર્ડ

ગૌતમ ગંભીર માત્ર એક સફળ કોચ જ નહીં, પરંતુ પોતાના સમયના ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન રહી ચૂક્યા છે. તેમણે 2003થી 2016 વચ્ચે ભારત માટે કુલ 242આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. આ દરમિયાન 283 ઇનિંગ્સમાં તેમણે 38.95ની સરેરાશથી 10,324રન બનાવ્યા છે. તેમના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 સદી અને 63 અડધી સદી નોંધાયેલી છે, જેમાં 206રન તેમનો સર્વોચ્ચ સ્કોર છે. 2007ટી-20 વર્લ્ડ કપ અને 2011 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં તેમની ઇનિંગ્સ ઐતિહાસિક રહી હતી.

આ પણ વાંચો - BAN vs ZIM : સદી ફટકાર્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયો બાંગ્લાદેશી બેટ્સમેન, જાણો ચોંકાવનારૂ કારણ


  • Follow us on: