ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી છે. જોકે, શરૂઆતની 3 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બે હાર બાદ ભારતીય ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થયા છે. આ દરમિયાન ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. સિરીઝ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરના તેવર જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની ડિક્શનરીમાં 'ડર' જેવો કોઈ શબ્દ જ નથી. આ સાથે તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય ખેલાડીઓએ બતાવેલા સંઘર્ષ અને પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.
'ડર' શબ્દ મારી ડિક્શનરીમાં નથી: ગૌતમ ગંભીર
ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ જીત્યા બાદ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય ટીમના પ્રદર્શન અંગે વાત કરી હતી. ગંભીરને જ્યારે ટીમના અભિગમ અને પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારી ડિક્શનરીમાં ડર જેવો કોઈ શબ્દ નથી.ગંભીરે ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરતાં કહ્યું કે, વ્યસ્ત કાર્યક્રમ અને લાંબી મુસાફરી છતાં ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે પ્રશંસાને પાત્ર છે. ખેલાડીઓએ દબાણનો સામનો કરીને ન્યૂઝીલેન્ડની ધરતી પર જોરદાર પડકાર આપ્યો હતો.
15 કલાકની મુસાફરી બાદ પણ ખેલાડીઓએ જીત મેળવી
ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર ભારતીય ખેલાડીઓ માટે આ પ્રવાસ સરળ નહોતો. ટીમે લગભગ 15 કલાકની હવાઈ મુસાફરી કરી હતી અને ત્યારબાદ માત્ર એક પ્રેક્ટિસ સેશન મળ્યું હતું. આટલી મુશ્કેલીઓ છતાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં જીત મેળવી હતી.ગંભીરે કહ્યું હતું કે,અમારા ખેલાડીઓએ જે રીતે દબાણનો સામનો કર્યો, 15 કલાકની હવાઈ મુસાફરી કરી અને માત્ર એક પ્રેક્ટિસ સેશન બાદ પ્રથમ મેચ જીતી, તે ખરેખર પ્રશંસનીય છે.ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે સિરીઝની પ્રથમ 3 મેચ જીતીને 3-0ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડે જોરદાર વાપસી કરી અને છેલ્લી 2 મેચ જીતીને સિરીઝનો અંત 3-2થી કર્યો હતો.
છેલ્લી T20 મેચમાં ભારતને મળી હાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી T20 મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 191 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને આશા હતી કે બોલરો આ લક્ષ્યાંકનો બચાવ કરી શકશે, પરંતુ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી.ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઇફર્ટે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ગ્લેન ફિલિપ્સે 65 રન બનાવ્યા હતા. બંનેની બેટિંગના આધારે ન્યૂઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.ભારત તરફથી અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને નીતિશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી. આમ, ભારતીય ટીમને છેલ્લી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
શ્રેયસ અય્યરે પણ સ્વીકારી ટીમની ભૂલ
સિરીઝમાં ભારતની કેપ્ટનશિપ સંભાળનાર શ્રેયસ અય્યરે પણ ટીમના પ્રદર્શન અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમના મતે ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.અય્યરે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓમાં ક્રિકેટ રમવાનો અનુભવ સારો રહ્યો. છેલ્લી 2 મેચમાં મળેલી હારને તેમણે શીખવાની તક ગણાવી હતી. જોકે, ટીમ આ તકનો પૂરતો લાભ લઈ શકી નહોતી.
આ પણ વાંચો - ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, ભારતને પાછળ છોડીને આ ટીમ બની નંબર-1