ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે કુલ 286 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે પોતાની આક્રમક બેટિંગ, ઉપયોગી ઓફ સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલ જીત્યાં હતાં. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતો જોવા મળશે.

286 આંતરરાષ્ટ્રીય મેચો અને અનોખી રમવાની શૈલી

વર્ષ 2012માં અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર મેક્સવેલ પોતાની આક્રમક બેટિંગ અને મેદાનના કોઈ પણ ખૂણે બોલ પહોંચાડવાની 360-ડિગ્રી ક્ષમતા માટે જાણીતો બન્યો. કાંગારૂ ટીમ તરફથી ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે 286 મેચોમાં 7,226 રન ફટકાર્યા છે અને ઓફ સ્પિન બોલિંગ વડે 136 મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી છે.

વાનખેડેની ચમત્કારિક પારી: દર્દ વચ્ચે રમેલા અણનમ 201 રન

મેક્સવેલની કારકિર્દીની સૌથી શાનદાર ક્ષણ 2023ના વનડે વર્લ્ડ કપ દરમિયાન જોવા મળી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે 292 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારે ક્રેમ્પ્સ અને શારીરિક પીડા વચ્ચે પણ હાર માન્યા વગર મેક્સવેલે માત્ર 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવી ટીમને અકલ્પનીય જીત અપાવી હતી. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ ચેઝિંગ ઇનિંગ્સ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.

https://x.com/CricCrazyJohns/status/2117316655017799881?a=J-lCmlKYwfUDaKMEQkY&s=20

T20 ક્રિકેટમાં પણ બનાવ્યો મોટો રેકોર્ડ

મેક્સવેલે માત્ર વનડે જ નહીં, પરંતુ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે 130 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 2,897 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 5 સદી અને 12 અડધી સદી જોવા મળી હતી. T20માં તેનો સ્ટ્રાઇક રેટ 154.42 રહ્યો હતો.ખાસ વાત એ છે કે મેક્સવેલે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 સદી ફટકારી છે. આ સાથે તે ભારતના રોહિત શર્માની સાથે સંયુક્ત રીતે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા ખેલાડીઓમાં સામેલ છે. બોલિંગમાં પણ તેણે ઉપયોગી યોગદાન આપ્યું હતું. તેણે વનડેમાં 77 અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 51 વિકેટ ઝડપી હતી.ટેસ્ટ ક્રિકેટમાં મેક્સવેલની કારકિર્દી ટૂંકી રહી હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે 7 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 1 સદીની મદદથી 339 રન બનાવ્યા હતા. આમ, ત્રણેય ફોર્મેટ મળીને તેણે 286 મેચમાં 7,226 રન અને 136 વિકેટ નોંધાવી હતી

3 વર્લ્ડ કપ ટ્રોફી અને IPLમાં ધમાકેદાર પ્રદર્શન

મેક્સવેલ માત્ર વ્યક્તિગત સ્કોરર નહોતો પરંતુ તે ઓસ્ટ્રેલિયાની જીતનો મજબૂત સ્તંભ રહ્યો છે. તે 2015 વનડે વર્લ્ડ કપ, 2021 T20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો મુખ્ય ભાગ રહ્યો હતો. ઉપરાંત આઇપીએલમાં દિલ્હી, મુંબઈ, પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમતાં 141 મેચોમાં 2,819 રન બનાવીને વિશ્વભરમાં ચાહકોના દિલ જીત્યા હતા.

નિવૃત્તિનું કારણ અને ભવિષ્યની યોજના

શારીરિક ફિટનેસ જાળવવા તેમજ ટીમમાં આવી રહેલી યુવા પેઢીને વધુ તકો આપવા માટે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લેવાનો નિર્ણય લીધો છે. ભલે તે હવે પીળી જર્સીમાં જોવા ન મળે, પરંતુ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL)માં મેલબર્ન સ્ટાર્સ તરફથી અને વિવિધ વિદેશી T20 લીગમાં તે મેદાન ગજવતો રહેશે.

આ પણ વાંચો - IPLમાં થશે પાકિસ્તાની ખેલાડીની એન્ટ્રી? બ્રિટિશ નાગરિકતાને લઈને મોહમ્મદ આમિરે કરી સ્પષ્ટતા