CPL 2026ની 26મી મેચ ગયાના એમેઝોન વોરિયર્સ અને જમૈકા કિંગ્સમેન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગયાના ટીમે 8 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. પહેલા બેટિંગ કરતા જમૈકા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જવાબમાં ગયાના ટીમે 160 રનનો ટાર્ગેટ 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. 

ચાલુ સિઝનમાં ગયાના ટીમ 47 વર્ષના કેપ્ટન ઈમરાન તાહિરના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. આ સિઝનમાં ગયાના એમેઝોન વોરિયર્સની સતત 5મી જીત છે. થોડા દિવસો પહેલા ગયાના એમેઝોન વોરિયર્સે ઈમરાન તાહિરની કેપ્ટનશીપમાં સતત બીજી વખત ગ્લોબલ સુપર લીગ ટાઇટલ જીત્યું હતું .

એમેઝોન વોરિયર્સ તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર બેટિંગ કરી

જમૈકા કિંગ્સમેને ગયાના એમેઝોન વોરિયર્સ માટે જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગયાનાના ઓપનર્સે મજબૂત શરૂઆત આપી. રહેમાનુલ્લાહ ગુરબાઝ અને મવેન્દ્ર દિનદયાલે પ્રથમ વિકેટ માટે 46 રન બનાવ્યા, જેમાં મવેન્દ્રએ ઝડપી 33 રન બનાવ્યા. ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝ અને શાઈ હોપ વચ્ચે બીજી વિકેટ માટે 68 રનની મજબૂત પાર્ટનરશીપ થઈ, જેનાથી ગયાનાનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો. 

રહેમાનુલ્લાહ ગુરબાઝે 35 બોલમાં 54 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ગુરબાઝ આઉટ થયો ત્યારે ટીમે 12.2 ઓવરમાં 114 રન બનાવી લીધા હતા. ત્યારબાદ શાઈ હોપ અને શિમરોન હેટમાયરે સાવચેતીભરી બેટિંગ કરીને ગયાના એમેઝોન વોરિયર્સ માટે મેચ સરળતાથી જીતી લીધી. હોપ 39 રન બનાવી અણનમ રહ્યા, જ્યારે હેટમાયરે માત્ર 17 બોલમાં 30 રનની ઝડપી અણનમ ઈનિંગ રમી.

જમૈકા કિંગ્સમેન તરફથી હસન ખાને 62 રન બનાવ્યા 

આ પહેલા જમૈકા કિંગ્સમેન ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર માઝ સદકતે 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ મેચમાં જમૈકા કિંગ્સમેનના મિડલ ઓર્ડર બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા. અંતે હસન ખાને 29 બોલમાં 62 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ ઈનિંગમાં તેને 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય કેસી કાર્ટીએ 18 રન, કીમો પોલ 15 રન અને ઓડિયોન સ્મિથે 13 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચ જીત્યા બાદ ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Smriti Mandhanaએ મચાવી ધૂમ, 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા અને એશિયા કપમાં રચ્યો ઈતિહાસ