હાર્દિક પંડ્યાની IPL કારકિર્દીમાં ફરી એક મોટો વળાંક આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે તેને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કર્યો છે. આ ફેરફાર વચ્ચે ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે હાર્દિકના એક જૂના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કૈફના મતે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં પાછા ફરવાનો હાર્દિકનો નિર્ણય મોટી ભૂલ હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં હાર્દિક ટીમનો રાજા હતો, પરંતુ મુંબઈમાં પાછા ફર્યા બાદ તેના પ્રદર્શન અને કેપ્ટનશિપ બંને પર અસર પડી. 

'ગુજરાત છોડવાનો નિર્ણય ભૂલ હતો'

કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં કહ્યું કે હાર્દિકનો મુંબઈમાં પાછા ફરવાનો નિર્ણય કદાચ ભાવનાત્મક હતો. મુંબઈ સાથે તેના જૂના સંબંધો હતા અને એ કારણે તે ફરી આ ટીમમાં જોડાવા ઇચ્છતો હતો. જોકે, કૈફના મતે આ નિર્ણયથી તેની કારકિર્દીને નુકસાન થયું. કૈફે કહ્યું, “ગુજરાત ટાઇટન્સ છોડવાનો હાર્દિકનો નિર્ણય મોટી ભૂલ હતો. તે ગુજરાતમાં ચેમ્પિયન બનાવનાર ખેલાડી હતો અને ત્યાં તેનું વર્ચસ્વ હતું. પરંતુ મુંબઈમાં પાછા ફર્યા બાદ તેના પ્રદર્શન અને કેપ્ટનશિપમાં ઘટાડો થયો.” હાર્દિકે ગુજરાત ટાઇટન્સને 2022માં પહેલી જ સિઝનમાં IPLનો ખિતાબ અપાવ્યો હતો. 2023માં પણ ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. બે સિઝનમાં ગુજરાતને સફળતા અપાવ્યા બાદ હાર્દિક 2024માં ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો હતો. 

ગુજરાતમાં કેવો હતો હાર્દિકનો રેકોર્ડ?

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે હાર્દિકે 31 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 30 ઇનિંગ્સમાં 833 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 37.86 અને સ્ટ્રાઇક રેટ 133.49 રહ્યો હતો. તેણે છ અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગમાં તેના નામે 11 વિકેટ હતી. 2022ની IPL સિઝનમાં હાર્દિકે 14 મેચમાં 487 રન બનાવ્યા હતા અને આઠ વિકેટ લીધી હતી. આ પ્રદર્શન સાથે તેણે ગુજરાતને પ્રથમ જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું. 2023માં પણ ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 

મુંબઈમાં ત્રણ સિઝનનો અનુભવ કેવો રહ્યો?

મુંબઈમાં પાછા ફર્યા બાદ હાર્દિકને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે, 2024માં મુંબઈ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં છેલ્લે રહી હતી. 2025માં ટીમ પ્લેઓફ સુધી પહોંચી, પરંતુ 2026માં ફરી નવમા સ્થાને રહી હતી. મુંબઈ માટે ત્રણ સિઝનમાં હાર્દિકે 39 મેચમાં 647 રન બનાવ્યા અને 29 વિકેટ લીધી હતી. કૈફના મતે કેપ્ટનશિપના દબાણની અસર તેના વ્યક્તિગત પ્રદર્શન પર પણ પડી હતી. 

પંજાબમાં કેપ્ટનશિપ નહીં, હવે પ્રદર્શન પર ધ્યાન

હાર્દિક હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે, જ્યાં શ્રેયસ ઐયર ટીમનો કેપ્ટન છે. કૈફના મતે હાર્દિક માટે આ સારી તક બની શકે છે, કારણ કે હવે તેના પર કેપ્ટનશિપની જવાબદારી નહીં હોય. કૈફે કહ્યું કે દરેક ખેલાડી કેપ્ટનશિપના દબાણમાં સારું પ્રદર્શન કરી શકે એવું નથી. હાર્દિકે હવે બેટર, બોલર અને ફિનિશર તરીકે પોતાની ક્ષમતા ફરી સાબિત કરવા પર ધ્યાન આપવું જોઈએ. પંજાબમાં તે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને જૂના ફોર્મમાં પાછો ફરી શકશે. 

આ પણ વાંચો: ICC Meeting: ટેસ્ટ ક્રિકેટમાં મોટો ફેરફાર થવાના સંકેત! WTCમાં 9 નહીં, 10 કે 12 ટીમો રમશે?