આગામી સમયમાં જાપાનમાં રમાનારી એશિયન ગેમ્સ 2026 દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે. આ સીરિઝ માટે 16 સપ્ટેમ્બરે ભારતીય ટીમની પસંદગી થાય તેવી શક્યતા છે. આ શ્રેણીમાં ઘણા અનુભવી ખેલાડીઓ વનડે ટીમમાં પુનરાગમન કરે તેવી આશા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક મોટા સુખદ સમાચાર સામે આવ્યા છે. ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ પહેલાં સંપૂર્ણ ફિટ થઈ શકે છે, જેથી આ સીરિઝમાં તેની વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
પંડ્યાની ફિટનેસ પર નજર
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ પહેલાં તમામની નજર હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ટકેલી છે. હાર્દિકે IPL 2026 બાદ એક પણ સ્પર્ધાત્મક મેચ રમી નથી. આઈપીએલ દરમિયાન જ તે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો, અને ત્યારથી બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાની રિકવરી પર કામ કરી રહ્યો છે. જો હાર્દિક સમયસર ફિટ ન થાય તો પસંદગીકારો માટે વનડે ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની પસંદગી કરવી એક મોટો પડકાર બની રહેશે.
https://twitter.com/PTI_News/status/2099396539378737492
વાપસી કરી શકે છે હાર્દિક
જો કે, ઓસ્ટ્રેલિયા એ સામેની વનડે શ્રેણી માટે હાર્દિક પંડ્યાનો ઈન્ડિયા એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હાર્દિક 20 સપ્ટેમ્બરથી વ્હાઈટ બોલ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે તેવી આશા છે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝ પહેલાં જ તે સંપૂર્ણ ફિટ થઈને શ્રેણી માટે ઉપલબ્ધ થઈ જશે.
ઈન્ડિયા 'A' ટીમમાં પસંદગી અને વનડે વર્લ્ડ કપનો લક્ષ્યાંક
32 વર્ષીય હાર્દિક પંડ્યાનો 6 થી 11 ઓક્ટોબર દરમિયાન પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા એ સામે રમાનારી ત્રણ વનડે મેચો માટે ઈન્ડિયા A ટીમમાં સમાવેશ કરાયો છે. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ તે આ શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે. જો કે, તે પહેલાં હાર્દિકની નજર મુખ્ય ભારતીય વનડે ટીમમાં સ્થાન મેળવવા પર હશે. આ સીરિઝ આગામી વર્ષે રમાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીઓના દ્રષ્ટિકોણથી ભારત માટે ખુબ મહત્વની છે અને હાર્દિક તેમાં ચોક્કસપણે રમવા ઈચ્છશે.
કેએલ રાહુલને વાઇસ કેપ્ટનશીપ અને અનુભવી ખેલાડીઓની વાપસી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે, જ્યારે બીજી મેચ 30 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 3 ઓક્ટોબરે રમાશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યાને વનડે ટીમમાં સ્થાન મળે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2026 અને ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝ એક જ સમયે રમાવાની છે. ભારતીય T20 કેપ્ટન અને વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર એશિયન ગેમ્સમાં વ્યસ્ત રહેશે, તેથી તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સ્થિતિમાં શ્રેયસના સ્થાને કેએલ રાહુલને આ સીરિઝ માટે ભારતીય વનડે ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવાય તેવી શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર, અય્યરની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં તક મળી શકે છે. આ સિવાય મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનું પણ વનડે ટીમમાં પુનરાગમન થઈ શકે છે.