વિમેન્સ T20 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-Aની મહત્વની મેચ રમાઈ રહી છે. આ મુકાબલા માટે મેદાનમાં ઉતરતાની સાથે જ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મોટો ઇતિહાસ રચ્યો છે. તે મહિલા અને પુરુષ બંને ક્રિકેટમાં 150 T20I મેચમાં કેપ્ટનશિપ કરનારી દુનિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે.પાકિસ્તાન સામેની મેચ પહેલાં હરમનપ્રીત કૌર 149 T20I મેચમાં ભારતની કેપ્ટન રહી હતી. આ મેચમાં ટીમની આગેવાની કરતાં જ તેણે 150 T20I મેચમાં કેપ્ટનશિપનો આંકડો પાર કર્યો. આ સિદ્ધિ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું નામ વધુ એક ખાસ યાદીમાં નોંધાવ્યું છે.

ટોસ સમયે હરમનપ્રીત કૌરે શું કહ્યું?

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર ટોસ હારી હતી. પાકિસ્તાનની કેપ્ટન સના ફાતિમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ટોસ સમયે હરમનપ્રીત કૌરે 150 T20I મેચમાં કેપ્ટનશિપ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે આ ચોક્કસપણે મોટી સિદ્ધિ છે, પરંતુ મેદાન પર ઉતરીને રમતનો આનંદ માણવો સૌથી વધુ મહત્વનો છે.હરમનપ્રીત કૌરે વધુમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનને શક્ય તેટલા ઓછા સ્કોર પર રોકવા માગે છે, જેથી બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ટીમ પર વધારે દબાણ ન રહે.ભારતીય કેપ્ટને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સામેની આ મેચ માટે ટીમની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

https://x.com/BCCIWomen/status/2096238642087997721?s=20

2012થી સંભાળી રહી છે ટીમની કમાન

હરમનપ્રીત કૌરે 2012માં પ્રથમ વખત T20I ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. ત્યારથી તે લાંબા સમયથી ટીમની આગેવાની કરી રહી છે.તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે અનેક મહત્વની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન સામેની મેચ પહેલાં ભારતે હરમનપ્રીતની આગેવાનીમાં રમાયેલી 149 T20I મેચમાંથી 87માં જીત મેળવી હતી. ટીમને 57 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 5 મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.હવે 150મી T20I મેચમાં કેપ્ટનશિપ સાથે હરમનપ્રીત કૌરે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે મહિલા અને પુરુષ બંને ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી બનાવી શક્યો નથી.

મહિલા ટી20માં સૌથી વધુ મેચોમાં ટીમનું નેતૃત્વ કરનાર ખેલાડીઓ

હરમનપ્રીત કૌર (ભારત) - 149 મેચ

ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા) - 121 મેચ

મેરી બિમેનીયિમાના (રવાન્ડા) - 101 મેચ

મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) - 100 મેચ

નારુએમોલ ચૈવાઈ (થાઇલેન્ડ) - 98 મેચ

આ પણ વાંચો - IPL 2027 પહેલાં RCBનું નામ બદલાશે? નવા માલિકે કરી મોટી જાહેરાત