પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સિનિયર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આખરે નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA)ની તપાસ પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું છે કે, તે માત્ર તપાસ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે. 34 વર્ષીય રિઝવાને એવો પણ ઈશારો કર્યો હતો કે, તપાસ પૂર્ણ થયા બાદ તે મીડિયા સાથે વાત કરી શકે છે. પાકિસ્તાની મીડિયા રીપોર્ટસ મુજબ, રિઝવાન અને ઈમામ-ઉલ-હક સામે ચાલી રહેલી આ તપાસ પાકિસ્તાન ટીમના ડ્રેસિંગ રૂમમાંથી માહિતી લીક કરવાના આરોપો તેમજ તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે જોડાયેલા મામલાઓ સંબંધિત છે.
ખેલાડીઓને દેશ પરત મોકલાયા
પૂર્વ કેપ્ટન રિઝવાન અને ઈમામ એ સાત ખેલાડીઓમાં સામેલ હતા, જેમને લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા દેશ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શરૂઆતી બે ટેસ્ટમાં રિઝવાનનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું.
શું કહ્યું રીઝવાને?
જમણા હાથના આ બેટ્સમેને ચાર ઈનિંગ્સમાં માત્ર 61 રન બનાવ્યા હતા. તપાસ એજન્સી બંને ખેલાડીઓના મોબાઈલ ફોન ડેટાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ અગાઉ રિઝવાન અને ઈમામ લાહોરમાં NCCIA સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમની કથિત ડ્રેસિંગ-રૂમ લીક અને ઈંગ્લેન્ડ પ્રવાસ સંબંધિત વિવાદો પર લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છું, અને માત્ર તપાસ પૂરી થવાની રાહ જોઈ રહ્યો છું.
નાણાકીય વ્યવહારોની ચકાસણી અને સિલેક્શન કમિટીને 'શો કોઝ' નોટિસ
આ અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે, એજન્સી બંને ખેલાડીઓના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે, જેથી કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. આ સિવાય પીસીબી દ્વારા સાત ખેલાડીઓને ઈંગ્લેન્ડથી અધવચ્ચેથી પરત બોલાવ્યા બાદ સિલેક્શન કમિટીને પણ 'કારણ દર્શાવો' નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં રિઝવાન અને ઈમામની પસંદગી કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું.