ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાની ટીમનો 0-3થી શરમજનક પરાજય થયો છે. બર્મિંગહામના એજબૅસ્ટન મેદાન પર રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને વાપસી કરવાનો પ્રયાસ જરૂર કર્યો હતો, પરંતુ ખેલાડીઓએ કરેલા હતાશાજનક પ્રદર્શનને કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે આ મુકાબલો 8 વિકેટે પોતાના નામે કરીને શ્રેણીમાં પાકિસ્તાનનો સફાયો કરી દીધો હતો.
ICCએ ટીમ પર મેચ ફીનો 50 ટકા દંડ ફટકાર્યો
હવે આ શરમજનક હાર વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પણ પાકિસ્તાની ટીમ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. એજબૅસ્ટન ટેસ્ટમાં સ્લો ઓવર રેટ (ધીમી ઓવર સ્પીડ) પાકિસ્તાનને ભારે પડી ગઈ છે. ICCએ ટીમ પર મેચ ફીનો 50 ટકા દંડ ફટકાર્યો છે, અને તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના ખાતામાંથી પાકિસ્તાનના 11 પોઇન્ટ કાપી લીધા છે.
નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 11 ઓવર પાછળ રહી ટીમ
નિયમ મુજબ મળતી સમયની છૂટછાટની ગણતરીમાં લીધા પછી પણ પાકિસ્તાનની ટીમ નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 11 ઓવર પાછળ રહી હતી. ICCની એલીટ પેનલના મેચ રેફરી રંજન મધુગલેએ આ મામલે સજાની જાહેરાત કરી હતી. મેદાન પરના અમ્પાયર્સ પોલ રાઇફલ અને ક્રિસ ગૅફની, થર્ડ અમ્પાયર અલ્લાહુદ્દીન પાલેકર તેમજ ફોર્થ અમ્પાયર રસેલ વોરેન દ્વારા સ્લો ઓવર રેટનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
WTC ટેબલમાં સૌથી નીચલા ક્રમે પાકિસ્તાન
આર્થિક દંડ કરતાં પણ મોટો ફટકો પાકિસ્તાનને WTCના રેન્કિંગમાં પડ્યો છે. નિયમો અનુસાર, પ્રત્યેક ઓછી ઓવર ફેંકવામાં પર એક પોઇન્ટ કાપવામાં આવે છે, જેથી 11 ઓવર બાકી રહેવાના કારણે સીધા 11 પોઇન્ટ ઘટાડી દેવાયા છે. પાકિસ્તાન પહેલાથી જ WTC ટેબલમાં સૌથી નીચલા ક્રમે હતું, અને આ કપાત બાદ તેની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. ટીમની પોઇન્ટ ટકાવારી ઘટીને હવે 4.63% પર આવી ગઈ છે. 0-3થી શ્રેણી ગુમાવ્યા બાદ પાકિસ્તાન માટે આ નિર્ણય બેવડો ફટકો સાબિત થયો છે.