દામ્બુલામાં રમાઈ રહેલી ત્રિ-રાષ્ટ્રીય 'A' શ્રેણીમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન 'A' ટીમે ડકવર્થ-લુઈસ (DLS) નિયમ શિરોધાર્ય રાખીને મજબૂત ગણાતી ઇન્ડિયા 'A' ટીમને ૪ રને પરાજય આપ્યો છે. આ અણધાર્યા પરિણામથી ટુર્નામેન્ટનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને ૨૧ જૂને યોજાનારી ફાઇનલની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે. હવે સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા ફાઇનલમાં જગ્યા બનાવી શકશે? ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીમાં બંને ટીમે 1-1 મેચ જીતતા ફાઈનલમાં હવે રસાકસીનો જંગ જોવા મળશે.
ઇન્ડિયા એની આક્રમક શરૂઆત, બેટસમેનોનું ધમાકેદાર પ્રદર્શન
ગુરુવારે (૧૧ જૂન) ટોસ હારી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઈન્ડિયાને સારી શરૂઆત કરી હતી. વૈભવ સૂર્યવંશીએ પોતાની દ્વીતીય મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૨ બોલમાં ૪૪ રનની તોફાની ઇનિંગ રમી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ત્યારબાદ પ્રભસિમરન સિંહે શાનદાર ૮૪ રન બનાવ્યા, જ્યારે રુતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ ૬૬-૬૬ રન બનાવીને ઇનિંગ્સને સ્થિર કરી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે ૭૮ રન ઉમેરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.
અંતિમ ઓવરોમાં રસપ્રદ રમત થઈ
સૂર્યાંશ શેડગેએ ૨૭ બોલમાં આક્રમક ૪૦ રન બનાવ્યા, જ્યારે અનુકુલ રોય અને વિપ્રાજ નિગમે પણ ઉપયોગી રન જોડ્યા. પ્રથમ દાવમાં બેસ્ટમેનોએ શાનદાર રમત રમી ઇન્ડિયા એ ટીમે 49 ઓવરમાં 9 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઇન્ડિયા-એના આક્રમક તેવર સામે અફઘાની બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો. જેન કારણે ભારતીય ટીમ ૫૦ ઓવર પૂરી ન રમી શકી અને ૪૯ ઓવરમાં ૯ વિકેટે ૩૪૯ રન બનાવી શકી. અફઘાનિસ્તાનના અબ્દુલ્લા અહમદઝાઈએ પાંચ વિકેટ ઝડપીને ભારતને ૩૫૦ નો આંકડો પાર કરતા અટકાવ્યું હતું.
વરસાદની એન્ટ્રી અને અફઘાનિસ્તાનનો પલટવાર
વરસાદના વિક્ષેપ બાદ અફઘાનિસ્તાનને ૩૮ ઓવરમાં ૨૯૪ રનનો સુધારેલો લક્ષ્યાંક મળ્યો હતો. અફઘાન ઓપનર હસન ઇસાખિલ (૩૪ રન) અને કેપ્ટન ઇમરાન મીરે પ્રથમ વિકેટ માટે ૬૩ રન જોડ્યા હતા. ખાલિદ તાનિવાલ સસ્તામાં આઉટ થયા બાદ, ઇમરાન મીર અને બહિર શાહે મોરચો સંભાળ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતની વાપસીની આશાઓ પર પાણી ફેરવી દીધું. ઇમરાન મીરે ૬૯ બોલમાં અણનમ ૭૫ રન અને બહિર શાહે ૫૧ રન બનાવી ક્રીઝ પર પક્કડ મજબૂત રાખી હતી. ભારત પાસે રન-આઉટ અને એલબીડબ્લ્યુ (LBW) ની તકો હતી, પરંતુ નસીબે સાથ આપ્યો નહીં.
DLS નિયમે ભારતને આપ્યો પરાજય
જ્યારે ભારે વરસાદને કારણે રમત રોકવી પડી ત્યારે ૨૫.૫ ઓવરમાં અફઘાનિસ્તાનનો સ્કોર ૧૭૭/૨ હતો, જે તે સમયે DLS પારના સ્કોરથી ૪ રન આગળ હતો. હવામાન સાફ ન થતાં અંતે અફઘાનિસ્તાનને ૪ રનથી વિજેતા જાહેર કરાયું. ભારતની હાર પર તિલક વર્માએ કહ્યું નિયમના કારણે આ હાર મળી છે. અમારી ટીમે ૩૪૯ રનનો સ્કોર કર્યો હતો પરંતુ વરસાદે રમત વહેલી પૂરી કરી દીધી. જો મેચ પૂરી ૩૮ ઓવર રમાઈ હોત તો પરિણામ ચોક્કસ અલગ હોત. અમારી બોલિંગ ચિંતાનો વિષય નથી, અમે ભૂલો સુધારીશું અને આગામી બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચીશું."