ત્રિકોણીય સીરિઝની પહેલી મેચમાં ભારત-એ ટીમે શ્રીલંકાને 8 રનથી હરાવ્યું. ભારતીય ટીમે અંતિમ ઓવરોમાં મેચ જીતી લીધી. પહેલા બેટિંગ કરતા, ટીમ ઇન્ડિયાએ 50 ઓવર સુધી બેટિંગ કર્યા પછી 6 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. આ મેચમાં ટીમ ઇન્ડિયા માટે રુતુરાજ ગાયકવાડે સદી ફટકારી. જવાબમાં શ્રીલંકા 48.5 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગયું. અરશદ ખાને છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને રોમાંચક વિજય અપાવ્યો. ગાયકવાડને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
રુતુરાજ ગાયકવાડે સદી ફટકારી
શરૂઆતના ઝટકા બાદ સુકાની ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ ભારતીય ઇનિંગને ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી હતી. ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા 114 બોલમાં 101 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તેણે તિલક વર્મા સાથે ચોથી વિકેટ માટે 150 રનની મોટી ભાગીદારી નોંધાવી હતી. તિલક વર્માએ પણ ગાયકવાડને સારો સાથ આપ્યો અને 97 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 69 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.












