ભારત સામેની પ્રથમ T20 મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને156 રન બનાવ્યા છે. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 64 રન સાથે ટીમનો સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. ભારતને હવે જીત મેળવવા માટે 157 રનનું લક્ષ્ય મળ્યું છે.

બુમરાહે વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ

આ અગાઉ, અફઘાનિસ્તાનની અડધી ટીમ માત્ર 43 રનના સ્કોર પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મેચની પ્રથમ જ ઓવરમાં રહમાનુલ્લાહ ગુરબાઝને ખાતું ખોલ્યા વિના આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. આ સફળતા મેળવવાની સાથે જ બુમરાહે T20 ક્રિકેટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તેઓ T20 ફોર્મેટમાં 350 વિકેટ ઝડપનારા માત્ર ત્રીજા ભારતીય અને બીજા ભારતીય ફાસ્ટ બોલર બની ગયા છે.

અર્શદીપની શાનદાર બોલિંગ  

જસપ્રીત બુમરાહ બાદ અન્ય ભારતીય બોલરોએ પણ અફઘાનિસ્તાન ટીમ પર દબાણ જાળવી રાખીને સતત વિકેટો ઝડપી હતી. ટીમની બીજો વિકેટ કપ્તાન ઈબ્રાહિમ ઝદરાન તરીકે પડી હતી, તેણે 10 બોલમાં 11 રન બનાવીને રન આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સદિકુલ્લાહ અટલ (13 રન)ને પેવેલિયન ભેગો કર્યો હતો.