દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે પોતાનો વિજયી રથ જાળવી રાખ્યો છે. ભારતે બીજી T20 મેચ 7 વિકેટે જીતીને આ શ્રેણી પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અફઘાન બેટ્સમેનો એકવાર ફરી નિસહાય સાબિત થયા હતા.
https://twitter.com/BCCI/status/2099896347671605363
સંજુએ ફટકારી શાનદાર અડધી સદી
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 8 વિકેટના ભોગે 159 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરોની આક્રમક બોલિંગ સામે અફઘાન બેટ્સમેનો રન બનાવવા માટે સતત ઝઝૂમતા જોવા મળ્યા હતા. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને અભિષેક શર્મા અને સંજૂ સેમસને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 88 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. આ જોખમી બનતી જોડીને રાશિદ ખાને અભિષેકને આઉટ કરીને તોડી હતી. અભિષેક શર્માએ માત્ર 19 બોલમાં 2 ચોગ્ગા અને 4 વિસ્ફોટક છગ્ગાની મદદથી 39 રનની તોફાની ઇનિંગ રમી હતી.
https://twitter.com/BCCI/status/2099907600951504969
ભારતની આક્રમક બોલિંગ
આ અગાઉ, ભારતીય બોલરોના ધારદાર પ્રદર્શન સામે અફઘાનિસ્તાનનું બેટિંગ આક્રમણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. ટીમ 100 રનના આંકડા સુધી પહોંચે તે પહેલાં જ તેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. મેચના પ્રારંભથી જ ભારતીય બોલરોએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ખાસ કરીને જસપ્રીત બુમરાહે પોતાની પ્રથમ ઓવર જ મેડન નાખીને અફઘાન બેટ્સમેનો પર ભારે દબાણ ઊભું કર્યું હતું. બીજા છેડેથી બોલિંગ કરી રહેલા અર્શદીપ સિંહને આ દબાણનો સીધો ફાયદો થયો હતો. ઝડપથી રન બનાવવાની ઉતાવળમાં રહમાનુલ્લાહ ગુરબાઝ હવામાં શોટ રમી બેઠા અને રવિ બિશ્નોઈએ તેમનો સરળ કેચ ઝડપી લીધો હતો.
સતત વિકટો ગુમાવી
અફઘાનિસ્તાનની આખી ઇનિંગમાં સતત વિકટો ગુમાવી હતી. ટીમની પ્રથમ વિકેટ 0 રને જ પડી ગઈ હતી, જે બાદ કેપ્ટન ઝાદરાને ઇનિંગ સંભાળી હતી. જોકે, 50 રન બાદ બીજી વિકેટ પડતાં જ ઇનિંગ ફરી ખોરવાઈ ગઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ 150નો આંકડો પણ પાર કરી શકશે નહીં, પરંતુ 8મા નંબરે બેટિંગ કરવા આવેલા રાશિદ ખાને 28 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સિવાય દરવિશ રસૂલીએ પણ 26 રનનું યોગદાન આપ્યું હતું. આમ, નીચલા ક્રમના બેટ્સમેનોના નાના યોગદાનના જોરે ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.